Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

જામનગરમાં મિડીયા કર્મચારીઓને અસંતોષ થતા ધરણા સાથે મતગણતરીનો બહિષ્કાર

જો કે પ્રિન્ટ અને ઇલેકટ્રોનિકસ મિડીયા કર્મચારીઓની માંગણી સંતોષાતા સુખદ સમાધાન

તસ્વીરમાં પત્રકારો - કેમેરામેનો ધરણામાં બેઠેલા નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

જામનગર તા. ૨૩ : વહીવટ તંત્રની તાનાશાહી સામે મીડિયા કર્મીનો વિરોધ જામનગર ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ માં આજે સવારે મતગણતરી શરૂ થતા જ મીડિયાકર્મીઓને મીડિયા રૂમ માં થી બહાર નીકળવાની મનાઈ ફરમાવવામાં આવતા મીડિયાકર્મીઓ ગ્રાઉન્ડમાં એક સાથે બેસી જઇને વિરોધ નોંધાવ્યો છે

આવી જ રીતે ૭૭ ગ્રામ્ય જામનગરની મતગણતરી ઓસવાલ સેન્ટરમાં ચાલી રહી છે ત્યાં પણ કોઈ વ્યવસ્થા ન હોવાથી ત્યાં પણ મીડિયાકર્મી વિરોધ નોંધાવ્યો છે.

આમ જામનગર માં લોકસભા અને વિધાનસભાની બે જગ્યાએ મતગણતરી શરૂ હોય ત્યાં મીડિયાને કોઈ પણ જાતનો સહકાર આપવામાં આવતો ન હોવાથી આક્રોશ છવાયો હતો.

જામનગર લોકસભા મતગણતરીમાં તંત્રની અમલદારશાહી જોવા મળી હતી. મીડિયા રૂમમાં કોઇ વ્યવસ્થા ન હતી. લાઇટ અને નેટના પણ ધાંધિયા હતા. મીડિયા કર્મીઓ સેન્ટર બહાર ધરણા પર બેસી ગયા હતા.

રોડ-રસ્તા ઉપર કે પ્રજાલક્ષી સરકારી કચેરીમાં કે અન્ય કોઈ જગ્યાએ મોબાઈલથી કે કેમેરાથી વિડીયો ન ઉતારી શકાય એવો કોઈ કાયદો ભારતમાં કે ગુજરાતમાં બન્યો જ નથી. જેવી રીતે રજીસ્ટર્ડ અને નોન-રજીસ્ટર્ડ મીડિયા દરેક જાહેર પ્રવૃત્તિનું વિડીયો રેકોર્ડિંગ કરી શકે છે એવી જ રીતે દેશને કર ચૂકવતો દરેક નાગરિક સરકારની કોઈપણ પ્રવૃત્તિનું રેકોર્ડિંગ કરી શકે છે. બધારણની કલમ - ૧૯ મુજબ દરેક નાગરિકનો વાણી-અભિવ્યકિત સ્વાતંત્ર્યનો હકક છે. જયાં ખોટું થતું હોય, જયાં તમારી સાથે અન્યાય થતો હોય ત્યાં તમે બિન્દાસ્ત રેકોર્ડિંગ કરી શકો છો. જો તમને રેકોર્ડિંગ કરતા બળજબરીપૂર્વક રોકવામાં આવે તો એ IPC કલમ - ૩૨૩, ૩૫૦ મુજબ ફોજદારી ગુનો બને છે.

અગત્યના સરકારી સંસ્થાનો જેવા કે ઈસરો, અણુમથક, સીબીઆઈ, હાઈકોર્ટ વગેરેની અંદર કે બહારથી વિડીયો કરવો ગુનો બને છે બાકી કોઈપણ જાહેર રોડ ઉપર બનતી કોઈપણ સરકારી કાર્યવાહી કે અન્ય બાબતનો વિડીયો ઉતારવો એ કાયદેસર રીતે ગુનો નથી. કોઈ સરકારી વ્યકિત તમને વિડીયો બનાવતા રોકે તો એને પૂછવાનું, 'કયાં કાયદા પ્રમાણે હું આ વીડિયો ન ઉતારી શકું?' 'કઈ કલમ મુજબ વિડીયો કરવાની મનાઈ છે?' અને બીજું કે કોઈ સરકારી વ્યકિત ખોટું કરતો હોય તો તેની સાથે વાતચિત કર્યા વગર કે તેને સ્પર્શ કર્યા વગર દૂર ઉભા ઉભા વિડીયો કરવો એ સરકારી કામમાં અડચણ નથી, આપણે કોઈપણ સરકારી કર્મચારીની જાહેર ફરજનું અવલોકન કરવાનો અધિકાર ધરાવીએ છીએ. રેકોર્ડિંગ કરશો તો પોલીસ બોલાવીશ, અથવા ફરજમાં રૂકાવટ કરી એવી બધી ધમકીઓથી ડરવું જોઈએ નહીં... તેમ પણ ચર્ચા જાગી હતી.

જામનગરમાં લોકસભાની ચૂંટણીમાં મીડિયાકર્મીઓને અસંતોષ થતા તેઓ ધરણાં ઉપર બેઠા છે. અંતે મીડિયાની સંપૂર્ણ માંગ સ્વીકારી લેતા ધરણા પૂરા કરી અને ફરીથી તેમની ફરજ ઉપર આવી ગયા છે આમ તંત્ર સાથેના અણગમાનો સુખદ અંત આવ્યો છે.

(11:04 am IST)