Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

'' તુ કેમ કામે નથી આવતો? જેતલસરમાં સિમેન્ટના કારખાનેદારે મહેશ મકવાણા અને સગર્ભા પત્નિને માર માર્યો

જેતલસર, તા.૨૩: ગઈકાલે જેતપુર તાલુકાના જેતલસર ગામે એક દેવીપુજક યુવાન પર ગામના એક સિમેન્ટના કારખાનેદારે કામે આવવા બાબતે બળ વાપરી લાકડા વડે માર મારતા ઈજગ્રસ્ત યુવાનને પ્રથમ જેતપુરની સરકારી હોસ્પિટલ અને ત્યાંથી પાંસળીમાં ફ્રેકચર જેવી ઈજાઓ સાથે ખાનગી ઓર્થોપેડિક હોસ્પીટલે ખસેડ્યો છે. જેતપુર તાલુકા પોલીસના એ.એસ.આઈ.મુસ્તાકભાઈ ચૌહાણે ઈજગ્રસ્ત યુવાનના નિવેદન પરથી સિમેન્ટ ઉદ્યોગપતિ સામે ગુનો નોંધી તેમની અટક કરવાની તજવીજ હાથ ધરી છે.

 જેતલસર ગામે રહેતા મહેશ કિશોર મકવાણા નામનો ૨૧ વર્ષનો દેવીપુજક યુવાન જેતલસર ગામમાજ આવેલ રામકૃપા સિમેન્ટ નામના કારખાનામાં મજુરીકામે જાય છે. છેલ્લા ત્રણેક દિવસ થયા મહેશની તબીયાત સારી ના હોય, તે મજુરી માટે કારખાને જતો નહોતો.

આ વાતથી ગુસ્સે ભરાયેલ સિમેન્ટ કારખાના માલિક રસિક પટેલે મહેશના દ્યરે દોડી જઈ એક તો તું રૂપિયા ૧૦ હજાર ઉપાડ લઇ ગયો છો ને પાછો કામે પણ આવતો કેમ નથી ? તેવું કહી, બોલાચાલી કરી મહેશના દ્યરના ફળિયામાં પડેલ બળતણના લાકડાના બે દ્યા ફટકારી દેતા મહેશને બચાવવા તેમની ૪ માસનો ગર્ભ ધરાવતી સગર્ભા પત્ની લલીતાબેન વચ્ચે પડતા તેમને પણ પેટમાં લાકડું જીકી કારખાનેદાર નાશી ગયો હતો.

આવા સમયે બંને ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે જેતપુરની સિવિલ હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. જયાં ફરજ પરના તબીબોની જાણ પરથી જેતપુર તાલુકા પોલીસના એ.એસ.આઈ. મુસ્તાકભાઈ ચૌહાણે હોસ્પીટલે દોડી જઇને ઈજગ્રસ્ત યુવાનની ફરિયાદ પરથી રામકૃપા સિમેન્ટ કારખાના માલિક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજીબાજુ જેતપુરની સિવિલ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલ મહેશ કિશોર મકવાણાને પાંસળીમાં બે ફ્રેકચર થયાનું બહાર આવતા સિવિલ હોસ્પિટલસુત્રોએ મહેશને શહેરની ડો.ચુડાસમાની ખાનગી હોસ્પીટલે રીફર કર્યો છે. બનાવના તપાસનીસ મુસ્તાકભાઇ ચૌહાણે જણાવેલ કે આ ફરિયાદમાં ગંભીર ઈજાઓની કલમોનો ઉમેરો કરાશે.

(2:34 pm IST)