Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

નેપાળની યાત્રા પુરી થાય એ પહેલા નિવૃત પીએસઆઇની 'જિંદગીની યાત્રા' પુરી !!

જુનાગઢના ૬૫ વર્ષિય ખીમજીભાઇ પુંજાભાઇ પરમાર રાજકોટના રેલ્વે સ્ટેશનમાં બેભાન થઇ જતાં મોતઃ ૨૫ સિનીયર સિટીઝન્સ ટૂર માટે નીકળ્યા'તા

રાજકોટ તા. ૨૩: જિંદગીની યાત્રાનો અંત ગમે ત્યારે આવી જતો હોય છે. જુનાગઢની મંગલ સોસાયટીમાં રહેતાં નિવૃત પી.એસ.આઇ. ખીમજીભાઇ પુંજાભાઇ પરમાર (ઉ.૬૫) સાથે પણ આવુ જ બન્યું છે. નેપાળની ટૂરમાં જવા નીકળેલા આ વૃધ્ધ રાજકોટના રેલ્વે સ્ટેશનમાં બેભાન થઇ જતાં જિંદગીની યાત્રાનો અંત આવી ગયો હતો. બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ જુનાગઢ રહેતાં ખીમજીભાઇ પરમાર અને બીજા ચોવીસ જેટલા સિનીયર સિટીઝન્સએ નેપાળની ટૂરનું આયોજન કર્યુ હતું. ગઇકાલે ટૂરનો પ્રારંભ થતાં આ બધા જુનાગઢથી રાજકોટ જંકશન રેલ્વે સ્ટેશને પહોંચ્યા હતાં. મોડી રાત્રે અહિથી નેપાળ માટેની ટ્રેન પકડવાની હતી. એ દરમિયાન રાત્રે સાડા બારેક વાગ્યે ખીમજીભાઇને અચાનક ગભરામણ થવા માંડતા અને બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

મૃતકને સંતાનમાં એક પુત્ર છે. તેઓ નિવૃત પીએસઆઇ હતાં. તેમ તેમના સગા રવિન્દ્રભાઇ છગનભાઇએ જણાવ્યું હતું. તેણે તેમ પણ કહ્યું હતું કે રેલ્વે સ્ટેશન ભારે ગરમી હોઇ તેના કારણે અચાનક ખીમજીભાઇને ગભરામણ થવા માંડી હતી અને બેભાન થઇ ગયા હતાં અને મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે રેલ્વે પોલીસને જાણ કરી હતી. (૧૪.૬)

(12:10 pm IST)