Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

...'પત્નીને મળવાની અંતિમ ઇચ્છા', ઇરાનની જેલમાં સબડતા માંડવીના ખલાસીની આજીજી

અન્ય સાથીદારો છૂટી ગયા, સ્પેલીંગની ભૂલથી અટવાયેલા ઉમર સાલેમામદ થૈમને પ૮ લાખનો દંડ ફટકારાયા બાદ બિમાર પતિને છોડાવવા માંગણી

ભુજ, તા. ર૩ : વર્ષ ર૦૧૪ના ૪થી ઓગષ્ટે દુબઇથી યમન જતી વખતે દરિયાઇ વાવાઝોડાના કારણે ઇરાનમાં ફસાયેલા માંડવી (સલાયા)ના 'અલસેના' જહાજના ૧ર ખલાસીઓને ઇરાન પોલીસે ઝડપીને બંધક બનાવી લીધા હતાં.

જે પૈકી પહેલા ૮ વહેલા અને અન્ય ૩ ખલાસીઓ હમણાં છુટી ગયા હતાં, પરંતુ ઉમર સાલેમામદ થૈમના નામના સ્પેલીંગમાં ભૂલ હોઇ તેનો છૂટકારો ન થતાં હાલ તે ઇરાનની જેલમાં જ છે.

તેની પત્નિ નૂરજહાંએ પતિ ઉમર સાલેમામદ થૈમને છોડવા માટે ભારત અને ઇરાનના દુતાવાસ પાસે ઘુંટણીએ પડીને છુટકારાની માંગ કરી રહી છે. દરમ્યાન બંધક ઉમર થૈમના ભાઇ બ્રાહીમે ઇરાન જઇને કરેલી તપાસમાં જાણવા મળેલી વિગતો આપતા જણાવ્યું હતું કે ઇરાન સરકારે સજા તો માફ કરી દીધી છે.

પણ ઉમર થૈમને પ૮ લાખનો દંડ ફટકાર્યો હોઇ દંડ ભર્યા બાદ જ તેનો છુટકારો થાય તેમ છે. જોકે ઇરાનની જેલમાં બંધ ઉમર થૈમની હાલત ખરાબ છે અને તેણે ઇરાન સરકારને અરજી કરી છે કે મારી અંતિમ ઇચ્છા પત્નીને મળવાની છે.

તેના માટે તેને પરવાનગી આપવામાં આવે. જોકે પતિ ઉમર થૈમના છુટકારા માટે પત્ની નૂરજહાંએ બન્ને દેશોના દુતાલય પાસે પ૮ લાખ રૂપિયા માફ કરવાની ધા નાખી છે.(૮.૮) 

(12:09 pm IST)