Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ન્યાયીક માંગણીઓ ન સ્વીકારાય ત્યાં સુધી ગ્રામીણ ડાક સેવકોની હડતાલ

ગ્રામ્ય વિસ્તારના લોકો હેરાન : સુત્રાચ્ચાર સહિતના કાર્યક્રમો સાથે વિરોધ પ્રદર્શિત કરતા કર્મચારીઓ

પ્રથમ તસ્વીરમાં વાંકાનેર બીજી તસ્વીરમાં આમરણ અને ત્રીજી તસ્વીરમાં મોરબીમાં ડાક સેવકો સુત્રોચ્ચાર કરતા નજરે પડે છે. (તસ્વીર : અહેવાલ-મહમદ રાઠોડ (વાંકાનેર) મહેશ પંડયા (આમરણ) પ્રવિણ વ્યાસ (મોરબી).

રાજકોટ, તા. ર૩ : ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમ્પ્લોઇઝ યુનિયન (જીડીએસ) દિલ્હીના આદેશ અનુસાર મંગળવારે રાજકોટના ૩૦૦ સહિત સમગ્ર દેશના ૩ લાખ ગ્રામીણ ડાક સેવકો સાતમાં પગાર પંચ, કર્મચારીને કાયમી કરવા સહિતની માંગણીઓ સાથે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે.

સરકારે વર્ષ ર૦૧પમાં જીડીએસ કર્મચારીના પગાર-સુધારણા તથા સવલતો સહિતના બદલાવ માટે પોસ્ટ ખાતાના ડી.જી. કક્ષાના નિવૃત અધિકારી કમલેશચંદ્રને જીડીએસ કમીટીના અધ્યક્ષ બનાવ્યા હતા. આ કમીટીએ નવે-ર૦૧૬માં અહેવાલ તૈયાર કરીને સોંપ્યો હતો. પરંતુ સરકાર તેમજ પોસ્ટ ખાતાએ અહેવાલ અભ્યાસ કરવા માટે ૧૭ માસનો સમય લીધો હતો અને હજુ પણ કેબીનેટની બહાલી મળવાની બાકી છે. આમ, અસાધારણ વિલંબના કારણે દેશભરના અંદાજે ૩ લાખ જીડીએસના કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાલનો પ્રારંભ કર્યો છે. આ હડતાલને પરિણામે ટપાલ, નાની બચત, રિકરીંગ, ઇલેકટ્રીક ટેલીફોન બિલ સહિતની સેવાઓ ખોરવાઇ ગઇ છે અને જયાં સુધી માંગણીઓ ન સ્વીકારાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. ખીરસરા

ખીરસરા : ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમ્પ્લોઇઝ યુનિયન જીડીએસ ગ્રામીણ ડાક સેવકના પ્રમુખ જે.એમ. મકવાણા, દિપક જોષી, જે.એમ. સોરઠીયા સહિતનાએ જણાવ્યું છે કે જયાં સુધી ગ્રામીણ ડાક સેવકોની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રાખવામાં આવશે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે, સેન્ટ્રલ હેડકવાટર્સ ન્યુ દિલ્હીના આદેશ અનુસાર રાજકોટ ડીવીઝનની ગ્રામીણ ડાક સેવકની અચોક્કસ મુદતની હડતાલ શરૂ થયેલ છે જેનો અદ્ભૂતપૂર્વક સહકાર મળી રહેલ છે. કાલે બપોરે સુત્રોચ્ચારના કાર્યક્રમમાં જીડીએસ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં.

જીડીએસની યોગ્ય અને ન્યાયીક માંગણીઓ જયા સુધી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે જેમાં મુખ્ય માંગણીઓમાં સાતમા પગાર પંચનો લાભ આપવો, કર્મચારીને કાયમી કરવા, કાયમી કર્મચારીઓને મળતી તમામ સવલતો જીડીએસ કર્મચારીને આપી. ૩પ જેટલી પડતર માંગણીઓનો સત્વરે નિકાલ કરવો જરૂરી છે. હડતાલના અનુસંધાએ આજે સાંજે ૬ વાગ્યે હેડ પોસ્ટ ઓફીસ રાજકોટ ખાતે સુત્રોચ્ચાર કરવામાં આવશે.

આમરણ

આમરણ : ગ્રામીણ ડાક સેવકો દ્વારા આજે આમરણ સબ પોસ્ટ ઓફીસ ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામીણ ડાક સેવકોની પડતર માંગણીઓ કેન્દ્ર સરકાર દ્વારા હલ થતી નહિ હોવાથી જીડીએસ જામનગર ડીવીઝન પ્રમુખ પાલાભાઇ આહિરની આગેવાની હેઠળ ડાક સેવકો હડતાલમાં જોડાયા હતાં.

મોરબી

મોરબી : જીલ્લામાં વિવિધ પોસ્ટ ઓફીસમાં ફરજ બજાવતા ગ્રામીણ ડાક સેવકો સાતમાં પગાર પંચની માંગ સાથે આજથી હડતાલ પર ઉતર્યા છે અને આજે મુખ્ય પોસ્ટલ ઓફીસ સામે ધરણા કરીને કર્મચારીઓએ વિરોધ દર્શાવ્યો હતો.  દેશભરની પોસ્ટ ઓફીસમાં ફરજ બજાવતા ડાક સેવકોએ સાતમા પગાર પંચની માંગ સાથે આજથી અચોક્કસ મુદતની હડતાલનો પ્રારંભ કર્યો છે જેમાં મોરબી જીલ્લાની ૧૧૦ પોસ્ટ ઓફીસમાં ફરજ બજાવતા ર૬૦ કર્મચારીઓ પણ આ હડતાલમાં જોડાયા છે. ગ્રામ્ય પંથકમાં પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ સાતમા પગારપંચની માંગણી સાથે લડત ચલાવી રહ્યા છે અને આજે સુત્રોચ્ચાર કરીને ધરણા કરવામાં આવ્યા હતા અને સરકાર જયાં સુધી સાતમા પગાર પંચની માંગ નહિ સ્વીકારે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો હોવાનું પણ ડાક સેવકો દ્વારા જણાવાયું છે.

વાંકાનેર

વાંકાનેર : ઓલ ઇન્ડીયા ગ્રામીણ ડાક સેવકોની હડતાલ આજે પણ યથાવત છે. અને કર્મચારીઓ રોષ ઠાલવી રહ્યા છે. ઓલ ઇન્ડીયા જીડીએસ યુનિયન ગુજરાત સર્કલના પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલ અને સેક્રેટરી નરેન્દ્રસિંહ બી. જામએ જણાવ્યું છે કે કમલેશ ચંદ્ર કમીટી રિપોર્ટના અમલીકરણ માટે યુનિયન દ્વારા હડતાલ પાડવામાં આવી છે અને તેમા મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા છે. (૮.૧૧)

(11:58 am IST)