Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

કેશોદ પાલીકામાં આગામી અઢી વર્ષ માટે નવા પ્રમુખ કોણ? : આકરા ઉનાળુ 'તાપ' વચ્ચે રાજકીય બજાર ગરમ

અનેકવિધ શકયતાઓ વચ્ચે પ્રમુખપદ માટે ઉપપ્રમુખ ઠકરારની મજબુત દાવેદારીઃ વેપારી મિત્રોની ચાહના કૈલાશભાઇ ઠકરારને પ્રમુખની 'ખુરશી' સુધી પહોચાડે તેવી સંભાવના : હરીનભાઇ ચોવટીયા, યોગેશભાઇ સાવલીયાના નામોની પણ ચર્ચા

કેશોદ તા. ૨૩ : નજીકના ભવિષ્યમાં પાલીકાના પ્રમુખ - ઉપપ્રમુખની નિયમાનુસાર નિમણુંક કરવાની થતી હોઇ આ સ્થિતી વચ્ચે પ્રવર્તમાન ઉનાળાના આકરા તાપની સાથે સાથે સ્થાનીક કક્ષાએ રાજકીય બજાર પણ ગરમ બનેલ છે.

ગત ૨૦૧૫માં કેશોદ નગરપાલીકાની યોજાયેલ સામાન્ય ચુંટણીમાં કુલ ૩૬ બેઠકમાંથી ભાજપના ૨૩ અને કોંગ્રેસના ૧૩ ઉમેદવારો ચુંટાઇ આવતા બહુમતીના આધારે પાલીકાની સતાનો લાડુ ભાજપના હાથમાં આવેલ હતો. જેને અનુલક્ષીને નવા ચુંટાયેલ સદસ્યોની મળેલ સૌપ્રથમ સામાન્ય સભામાં પ્રમુખ તરીકે શ્રીમતી લાભુબેન પીપળીયા અને ઉપપ્રમુખ તરીકે કૈલાશભાઇ ઠકરાર ચુંટાઇ આવતા તેઓના નેતૃત્વ હેઠળ વિકાસકામોને વેગવંતા બનાવામાં આવેલ. શ્રી ઠકરારે અઢી વર્ષની ઉપપ્રમુખ તરીકેની તેમની ટર્મ દરમિયાન સ્થાનિક પાલિકા સ્ટાફ અને જુદા જુદા વર્ગમાં તેમની કોઠા સુઝભરી કામગીરીથી સારી ચાહના મેળવેલ છે. દરમિયાન વર્તમાન પ્રમુખ - ઉપપ્રમુખની રોટેશન મુજબ આગામી જૂન માસમાં મુદ્દત પુર્ણ થશે અને એ સાથે જ નવા પ્રમુખ - ઉપપ્રમુખની આગામી અઢી વર્ષ માટે પુનઃચુંટણી યોજાશે. વર્તમાન ટર્મ દરમિયાન અઢી વર્ષ માટે પ્રમુખપદ માટે સ્ત્રી અનામત હતી. જયારે આગામી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ પદ સામાન્ય કોઇ પ્રમુખપદની ખુરશી યેનકેન પ્રકારે હાંસલ કરવા માટે સક્ષમ સદસ્યોની રીતસર હોડ લાગેલ હોઇતેવી સ્થિતી સર્જાતા આગામી અઢી વર્ષ માટે પાલીકાના નવા પ્રમુખ કોણ ?એ અંગે સામાન્ય લોકોમાં ઉઠતા પ્રશ્નથી રાજકીય વર્તુળોમાં ભારે ઉત્તેજના પ્રવર્તેલ છે.

આ સંદર્ભે ચાલતી ચર્ચાઓ મુજબ કેટલાય સદસ્યો પાલીકાની પ્રમુખ પદની ખુરશી હાંસલ કરવા માટે જરૂરી એવા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે પ્રયાસો આદરેલ છે અને રાજકીય અગ્રણીઓ પણ આ અંગે અંગત રસ લઇ પોતાના નજીકના વ્યકિત (સમર્થક)ને પાલીકા પ્રમુખની ખુરશી પર બેસાડવા ભારે દોડધામ કરી રહેલ છે. આ સ્થિતિ વચ્ચે કેટલાક સક્ષમ દાવેદારો ના નામો ચર્ચાઇ રહેલ છે. જેમાં વેપારીઓમાં ભારે ચાહના મેળવનાર કૈલાશભાઇ ઠકરાર પ્રમુખપદ માટે મજબુત દાવેદાર હોવાનુ કહેવાય છે. શહેરના લોકોની લાગણીને ધ્યાને લઇ જાહેર હિતના કામો માટે હંમેશા હકારાત્મક રહેલ પાલીકાના ઉપપ્રમુખ કૈલાશભાઇ ઠકરારના સમર્થનમાં વેપારીઓ તથા વિવિધ સમાજના અગ્રણીઓ મેદાનમાં આવેલ હોવાનું જાણવા મળેલ છે ત્યારે વેપારી મિત્રોની ચાહના પાલીકાના પ્રવર્તમાન ઉપપ્રમુખ શ્રી ઠકરારને પ્રમુખની ખુરશી સુધી પહોચાડે તેવી સંભાવના નકારી શકાય નહી.તેમના ચાહકો તેમને પ્રમુખ બનાવાની પ્રચંડ માંગણી કરતા જણાવી રહ્યા છે કે, કૈલાશભાઇના નેતૃત્વમાં શહેરના વિકાસને એક નવી જ દિશા મળશે તેમાં શંકાને સ્થાન નથી. બીજી તરફ પ્રમુખ પદના અન્ય સક્ષમ દાવેદારોમાં હરીનભાઇ ચોવટીયા અને યોગેશભાઇ સાવલીયાના નામો પણ ચર્ચાઇ રહ્યા છે.

આ સ્થિતિ વચ્ચે જૂદી જૂદી અનેક શકયતાઓ અને સંભવતઃ ઉદભવનાર સમસ્યાઓ નકારી શકાય તેમ નથી. તે બાબતને ધ્યાને લઇ રાજકીય વર્તુળોનું ચકકર તે જ રીતે દોડી રહેલ છે. બીજી તરફ સ્થિતિ પર ઉચ્ચકક્ષાએથી ભાજપના મોવડીઓ દ્વારા ચાંપતી નજર રખાઇ રહેલ હોવાનું અને કોને કયું સ્થાન આપીને રાજી કરી દેવા તે અંગેની કવાયતો પણ શરૂ થયેલ હોવાનું જાણવા મળેલ છે. પાલીકાના વર્તમાન સુત્રધારોની ટર્મ પુર્ણ થવામાં હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપના મોવડીઓ નવા સુત્રધારો માટે કયા સદસ્ય પર કળશ ઢોળશે ?! એ તરફ હાલ તો સૌ કોઇની મીટ મંડાયેલ છે.(૪૫.૭)

(10:42 am IST)