Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ખંભાળિયા : ખનીજ ચોરી કરતા વાહનચાલકો દ્વારા ઓવરલોડનાં નિયમોનો છડેચોક ભંગ

 ખંભાળીયા તા.૨૩ : દેવભુમી દ્વારકા જિલ્લામાં ખનીજચોરો ફરી બેફામ બન્યા છે. ખનીજચોરો કેવા ખુલ્લેઆમ ચોરી કરી છે તેનો નમૂનો જિલ્લાતંત્રને ખબર ન હોય તે આશ્ચર્યરૂપ છે. નવા નિયમ પ્રમાણે ટ્રકની રોયલ્ટી ૧૭ ટનની જ ઓનલાઇન નીકળે છે અને ૪૦-૪૦ ટન બે બે એકસેલ વાળા ટ્રકો ભરીને બોકસાઇટના ટ્રકોની લાઇનો રોજ કલ્યાણપુરથી પોરબંદર વાયા ખંભાળિયા જાય છે !!

૧૭ ટનની ચીઠ્ઠી પર ૪૦-૪૦ ટન લઇ જતા ટ્રકને કોઇ પુછવાવાળુ પણ નથી. ખનીજતંત્ર દ્વારકા મીઠાપુર તથા હર્ષદમાં ચેકીંગ કરે છે. આ બાજુ ચેકીંગ નથી કરતા.

આ જ રીતે ઓવરલોડના નિયમોનો પણ છડેચોક ભંગ થાય છે પણ પાલીકાતંત્ર, ટ્રાફીક તંત્ર કે ખનીજ તંત્ર પણ કંઇ કહેતુ નથી. જિલ્લાનું વહીવટી તંત્ર ખંભાળિયામાં છે છતાં પણ !!

અગાઉ જે રોયલ્ટીના પાસ ઇશ્યુ થાય છે તે રોયલ્ટીની લીઝમાં તપાસ કરો તો ત્યાં ખનીજ ખોદવાનું જ ચાલુ નથી !! આવુ જિલ્લામાં ચાલી રહ્યુ છે. તાજેતરમાં એક ધારાસભ્ય દ્વારા જાહેરમાં ખાણખનીજ અધિકારીને આ ભ્રષ્ટાચાર અંગે જિલ્લાના અધિકારીને રૂરૂ પુછતા આ અધિકારી બિમાર પડી ગયા હતા તથા હોસ્પિટલમાં સારવારના કારણોસર પંદરદિવસની રજા પર ઉતરી ગયા હોવાનુ ચર્ચાય છે.

ખંભાળિયા કલ્યાણપુર તાલુકામાં અગાઉ વર્ષો પહેલા જામનગરના અનિલ કે જેમણે ખનીજચોરોમાં સોંપો પાડી દીધો હતો તથા રેકોર્ડ બ્રેક ચોરીના કેસો દંડ કર્યા હતા. તેઓની ફરી નિયુકિત અહી થાય તેવી સંભાવના વ્યાપક થઇ છે. અનિલ ઉતિપાલ દરોડો પાડતા અને ખનીજ ચોરો જેસીબી મુકીને નાસી જતા તો તેઓ જાતે હિતાચી ચલાવીને પોલીસ સ્ટેશને પહોચાડતા તો કોઇ ગાર્ડ પોલીસ વગર હોન્ડા બાઇક પર રાત્રે દરોડા પાડયા હતા.

અનિલ ઉનિપાલ જેવા કડક અધિકારીના આગમનની અફવા ફેલાતા ખનીજચોરો હવે દિવસ રાત જાગીને ખનીજોના નિકાલની કામગીરીમાં પડયા છે. શનિ - રવિમાં ટ્રકની લાઇનો જતી હતી.(૪૫.૮)

(10:42 am IST)