Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

જુનાગઢ સિવીલમાં ૭૦૦ કોવીડ દર્દી સારવાર હેઠળઃ તમામે તમામ ઓકિસજન પર

ર૦ હજાર લીટરનાં સ્ટોરેજ સામે મળે છે ઓકિસજન ૧૮ હજાર લીટર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૩: કોરોનાનાં કહેરને લઇ જુનાગઢમાં ખાનગી અને સરકારી હોસ્પિટલ હાઉસ ફુલ થઇ ગઇ છે. સિવીલમાં અત્યારે ૭૦૦ કોવીડ દર્દી સારવાર હેઠળ અને આ તમામે-તમામ ઓકિસજન પર હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢ જિલ્લામાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે જેના કારણે સિવીલ હોસ્પિટલની હાલત કફોડી થઇ ગઇ છે. ખાનગી હોસ્પિટલો પણ કોરોનાનાં દર્દીથી ઉભરાઇ રહી છે.

આમ છતાં કલેકટર ડો. સૌરભ પારધી તેમજ સિવીલનાં સુપ્રિન્ટેન્ડ ડો. સુશીલકુમાર, ડો. સોલંકી સહિતનાં તબીબો-અધિકારીઓ દર્દીઓને જરૂરી સારવાર સુવિધા તાત્કાલિક મળી રહે તે માટે પ્રયત્નશીલ છે.

કલેકટર ડો. સૌરભ પારધીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, સિવીલ ખાતે ર૦ લીટર ઓકિસજન ટેન્ક શરૂ કરી દેવામાં આવી છે અને હાલ ૧૮ હજાર લીટર ઓકિસજન મની રહ્યો છે.

તેઓએ જણાવેલ કે, સિવીલમાં હાલ ૧૦૦ બેડ વધારવામાં આવેલ છે નર્સીંગ સ્ટાફ અને ડોકટરોની ઉપલબ્ધ થયેથી બેડની સંખ્યા વધારીને ૧૦૦૦ની કરવાની ગતિવિધી ચાલી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે, સિવીલનાં દર્દીઓની માફક ખાનગી હોસ્પિટલોના કોવીડ પેશન્ટોને ઓકિસજનનો પુરવઠો પુરતા પ્રમાણમાં મળી રહે તે માટેનાં પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. દરમ્યાન પ્રાપ્ત માહિતી મુજબ સિવીલ હોસ્પિટલમાં અત્યારે ૭૦૦ કોરોના દર્દી સારવાર હેઠળ છે અને તમામ પેશન્ટ ઓકિસજન પર છે. ખાનગી હોસ્પિટલોમાં પણ સંખ્યાબંધ દર્દી હોવાનું જાણવા મળેલ છે.

(12:47 pm IST)