Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

વાંકાનેરમાં કોરોના સંક્રમણ ઘટાડવા બપોર બાદ ૭પ ટકા વેપારીઓનું સ્વૈચ્છિક લોકડાઉન

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ર૩: વાંકાનેરમાં કોરોના મહામારીને પગલે બીજી લહેર ઘાતક પણ વધુ રહી છે. દિન પ્રતિદીન વધતા કોરોના કેઇસથી ભારે ફફડાટ ફેલાયો છે.

કોરોના સંક્રમણને ઘટાડવા શહેરના જુદા જુદા ધંધાર્થી એસોશીયેશન દ્વારા બપોરના ત્રણ વાગ્યા બાદ ધંધા બંધ રાખવા સ્વૈચ્છિક લોકડાઉન રાખવા તૈયાર થયા છે. જેમાં કરીયાણા, વાણંદ, કાપડ, ખાતર, બીયારણ તેમજ દાણાપીઠ રોડ ઉપરના નાના-મોટા હોલસેલ વેપારીઓ પણ બપોરના ત્રણ વાગ્યા બાદ ધંધા રોજગાર બંધ કરી દેતા શહેરમાં ૭પ ટકા જેટલા ધંધા બંધ થઇ જતા બપોરબાદ રસ્તાઓ સુમસામ જોવા મળે છે.

કાપડના ધંધાર્થીઓ બંધ રાખે છે પરંતુ રેડીમેન્ટ કાપડની દુકાનો ખુલ્લી જોવા મળે છે. ચા-પાનના ગલ્લાં નાસ્તા-ફરસાણના ધંધાર્થીઓની દુકાનો ખુલ્લી રહે છે કોરોના મહામારીના પગલે ગ્રામ્ય વિસ્તારમાંથી પણ અડધો-અડધ લોકોએ વાંકાનેર આવવાનું ટાળ્યું છે અને સમજુ લોકો પણ કામ વગર બહાર નહીં નિકળતા જે દુકાનો ખુલ્લી હોય છે ત્યાં પણ નિરસતા જોવા મળે છે અને બપોરના ત્રણ વાગ્યા બાદ રસ્તાઓ સુમસામ જોવા મળે છે.

(11:32 am IST)