Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

મોરબીમાં રેમડેસિવિર ઇન્જેકશન તંત્ર દ્વારા રૂબરૂ પહોચાડાશે : વિતરણ માટે ૭ ટીમોની રચના

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૩ : મોરબી જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેકશન લેવા માટે દર્દીઓને પડતી હાલાકી નિવારવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હવે હોસ્પિટલોને જ માંગ મુજબ ઇન્જેકશન રૂબરૂ જઇને ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 જિલ્લામાં કોરોના દર્દીઓની સારવાર કરતી કોઇપણ કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ, કોવીડ હેલ્થ કેર સેન્ટરે sdmmorbi.covid19@gmail.com ઇ-મેલ આઇડી પર સાંજના ૯:૦૦ વાગ્યાથી સવારના ૯:૦૦ વાગ્યા સુધીમાં હોસ્પીટલમાં ઓકસીજન બેડમાં સારવાર લઇ રહેલ દર્દીઓની વિગતો સાથેનું ફોર્મ તથા દરેક દર્દીના આધાર કાર્ડ અને દર્દીનો કોરોના પોઝીટીવ હોવા અંગેનો રીપોર્ટ સ્કેન કરી અપલોડ કરવાનો રહેશે.

કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલ ફોર્મ મુજબની જરૂરીયાત ધ્યાને લઇ તથા મેઇલમાં અપલોડ કરેલ ડોકયુમેન્ટ વેરીફાઇ, દરેક કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલનો સ્ટાફ કોરોના મહામારીની કામગીરીમાં વ્યસ્ત હોઇ તથા સેવા બજાવી રહેલ હોઇ તે ધ્યાને લઇ અત્રેથી મહેસૂલી કર્મચારીઓની ટીમો બનાવી દરેક કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ કે કોવીડ હેલ્થ કેર સેન્ટરને રૂબરૂ જઇ રેમડેસિવિર ઇજેકશનનો જથ્થો પૂરો પાડવામાં આવશે તથા ઓરીજીનલ ડોકયુમેન્ટ પણ અત્રેનો સ્ટાફ રૂબરૂ જઇ મેળવી લેશે.

આ કામગીરી માટે દરેક કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ કે કોવીડ હેલ્થ કેર સેન્ટર દ્વારા ઇ-મેઇલ પર મોકલવામાં આવેલ ડોકયુમેન્ટ સત્વરે વેરીફાઇ થઇ અને રેમડેસિવિર ઇજેકશન સમયસર ફાળવણી કરી શકાય તે માટે ૨ (બે) નાયબ મામલતદારોની ખાસ વેરીફીકેશન ટીમો બનાવેલ છે તથા કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ કે કોવીડ હેલ્થ કેર સેન્ટર સુધી રેમડેસિવિર ઇન્જેકશનનો જથ્થો પહોંચાડવા માટે અલગ અલગ ૭ ટીમોની રચના કરવામાં આવેલ છે જે પૈકી ૫ ટીમો મોરબી શહેર તથા મોરબી તાલુકા માટે, ૧ ટીમ વાંકાનેર શહેર તથા તાલુકા માટે તથા ૧ ટીમની હળવદ તાલુકા તથા શહેર માટે રચના કરવામાં આવેલ છે.

(11:26 am IST)