Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

ભાવનગર અધેવાડા શિવકુંજ આશ્રમના સીતારામબાપુની રાજ્યના નાગરિકોને રસીકરણ કરાવી લેવા માટે અપીલ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૩ : ભાવનગરના અધેવાડા વિસ્તારમાં આવેલ શિવકુંજ આશ્રમના ગાદીપતિ અને મહંતશ્રી સીતારામ બાપુએ રાજયના નાગરિકોને કોરોનાના આ વિપરિત સમયમાં કોરોનાની રસી લઇ પોતાની જાત સાથે સમસ્ત વિશ્વના કલ્યાણની કામના વ્યકત કરી છે.

તેમણે જણાવ્યું કે, કોરોનાની આ મહામારીએ વિશ્વથી લઈ અને સમગ્ર ભારતને અને આપણાં ગુજરાત રાજયને જેમ કોઈ સેનાપતિ બીજીવાર આક્રમણ કરે તેવો અણજોઇતો હુમલો કરી દીધો છે. આ અદ્રશ્ય એવા વારથી બચવાનો એક જ માર્ગ છે કે, રાજયના તમામ નાગરિકો કોરોનાની રસી લઇને પોતાની જાતને સંરક્ષિત કરે.

તેમણે કહ્યું કે, માનવજાત પર થઇ રહેલાં આ પ્રકોપથી બચવાનો અમોદ્ય માર્ગ છે રસીકરણ.... રાજય સરકારે તેને સમયસર પારખીને રાજયના ખૂણે-ખૂણામાં રસીકરણ કેન્દ્ર દ્વારા લોકોની ક્ષેમકુશળતા ઇચ્છી છે તે અભિનંદનીય છે.

હજુ હમણા જ ભગવાન રામચંદ્રજીનો જન્મ દિવસ ગયો છે. સતયુગમાં ભગવાન રામના રાજયમાં જેમ લોકોના કલ્યાણનો અભિગમ હતો તેવો જ કલ્યાણકારી અભિગમ વર્તમાન સરકારે લોકોની વેદનાને પોતાની સમજી ગામે- ગામ કોરોનાની સેવા- સુશ્રુષા માટેની હોસ્પિટલો ખોલી છે અને ગામે-ગામ લોકો કોરોના સામે સંરક્ષિત થાય તે માટે રસીકરણ કેન્દ્દો ખોલ્યાં છે ત્યારે લોકો વધુમાં વધુ લાભ ઉઠાવે તે માટેની નાગરિક સમાજને અપીલ કરી છે.

ગુજરાતની જનતા માટે આ કલ્યાણકારી રસીકરણ પ્રયોગ દ્વારા મોટાપાયા પર પ્રથમ ડોઝ અપાઇ ગયો છે અને બીજા ડોઝનું રસીકરણ ચાલી રહ્યું છે.ત્યારે વહેલાં તે પહેલાના ધોરણે લોકો રસી લે તેવી તેમણે હાર્દભરી અપીલ કરી છે.

તેમણે વધુમાં અપીલ કરતાં જણાવ્યું છે કે, કોરોનાની મહામારીથી આપણે હચમચી ઉઠ્યાં છીએ. તે ચિંતાજનક સ્થિતિ છે ત્યારે સૌ કોઈ પ્રેમથી રસીકરણ કરાવી લે અને એમાં જ આપણાં સૌનું કલ્યાણ રહેલું છે.

(10:07 am IST)