Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

સરોવડા અને નેસડી-ર ગામે બહિષ્કાર કુલ ૯૦પ મતોમાંથી ૭ જ પડયા

 અમરેલી, તા. ર૩ : અમરેલી સંસદીય મતવિસ્તારમાં બપોરે ર વાગ્યા સુધીમાં ૩પ ટકા મતદાન થવા પામ્યું છે. ત્યારે જાફરાબાદ તાલુકાના સરોવડા ગામે તથા ખાંભા તાલુકાના નેસડી-ર ગામે લોકોએ મતદાનનો બહિષ્કાર કરતા સનસનાટી મચી જવા પામી છે.

જાફરાબાદ તાલુકાના સરોવડા ગામે પીવાના પાણી તથા રોડ-રસ્તાને લઇ ગ્રામજનોમાં ભારે નારાજગી હોવાથી મતદાનનો બહિષ્કાર કર્યો હતો. આ ગામમાં કુલ ર૪૦ જેટલા મતદારો છે. બપોર ૧ર વાગ્યા સુધીમાં માત્ર ર મત જ પડયા હોવાનું જાણવા મળેલ છે.

જયારે ખાંભા તાલુકાના નેસડી-ર ગામે પણ સ્થાનિક લોકોએ ગામમાં ચાલતી ખાણની લીઝ પૂરી થઇ જવા છતાં પણ ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હોવાથી નારાજ થયેલા લોકોઅ મતદાનનો બહિષ્કાર કરી દીધો છે. આ ગામમાં ૬૬પ જેટલા મતદારો છે તેમાંથી માત્ર પ મત જ પડયા છે. આમ ચાલુ મતદાન સુધી નારાજ લોકોનો પ્રશ્ન હલ નહીં થવાથી અને અગાઉ જાણ કરવામાં આવી હોવા છતાં સતાધારી પક્ષ કે અન્ય લોકોએ ગ્રામજનોની માંગણી અંગે યોગ્ય કાર્યવાહી નહી કરતા મતદાનનો બહિષ્કારની ઘટના બનવા પામી હોવાનું જાણવા મળી રહ્યું છે.

(4:27 pm IST)