Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં ૫૫ ટકા મતદાન થવાની સંભાવના

ધોમધખતા તાપથી બચવા માટે સવારના ૭ના ટકોરેથી જ મતદારોની મતદાન માટે લાઈનોઃ ૮ લોકસભા બેઠક અને ૩ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે મતાધિકારનો ઉપયોગ કરતા મતદારો

રાજકોટ, તા. ૨૩ :. લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મતદાન થઈ રહ્યુ છે. સવારે ૭ વાગ્યે મતદાન શરૂ થતા મતદાન માટે મતદારોની લાઈનો લાગી હતી અને પ્રારંભે તડકા પહેલા મતદાન કરી લેવા માટે મતદારોમાં ઉત્સાહ છવાયો હતો અને શરૂઆતમાં ભારે મતદાન થયુ હતું. બપોરના ૨.૩૦ વાગ્યા સુધીમાં સરેરાશ ૩૫ થી ૪૦ ટકા જેવુ મતદાન થયુ હતું. જ્યારે સાંજના ૬ વાગ્યા સુધીમાં સરેરાશ ૫૫ ટકા જેટલુ મતદાન થવાની સંભાવના છે. બપોરે તડકાના કારણે મતદારોમાં ઉત્સાહ ઘટયો છે પરંતુ સાંજના ૬ વાગ્યા આસપાસ વધુ મતદાન થાય તેવી શકયતા છે.

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામા બપોર સુધીમાં ૪૦.૪૧ ટકા, જામનગરમાં ૩૫.૧૨ ટકા, અમરેલી ૩૬.૦૯ ટકા, પોરબંદર ૩૦.૧૦ ટકા, ભાવનગર ૩૬.૩૫ ટકા, રાજકોટ ૩૯.૯૧ ટકા મતદાન થયુ છે.

જુદી જુદી જગ્યાએ ઈવીએમમાં ખરાબી આવી જતા મતદાન અટકયુ હતુ. જો કે તંત્ર દ્વારા તાત્કાલીક વ્યવસ્થા કરીને નવા ઈવીએમ મશીન મુકવામાં આવ્યા હતા.

એકંદરે સૌરાષ્ટ્ર-કચ્છમાં સવારથી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યુ છે.

રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ સહિત ૮ લોકસભા બેઠક માટે આજે મતદાન થઈ રહ્યુ છે.

જ્યારે વિધાનસભાની ૩ બેઠકો માણાવદર, ધ્રાંગધ્રા અને જામનગર ગ્રામ્ય બેઠક માટે મતદાન યોજાયુ છે.

ધોમધખતા તાપથી બચવા માટે મતદારોએ વહેલી સવારથી જ મતાધિકારનો ઉપયોગ કરી લીધો હતો. મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર થઈ જતા લોકોએ સવારે પ્રારંભમાં જ મતદાન કરી લીધુ હતું.

(3:51 pm IST)