Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના વડગામનો પરિવાર ગામમાં જ બેસણામાં ગયો અને દોઢ કલાકમાં ૫.૭૫ લાખની ચોરી

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ, તા.૨૩:પાટડી તાલુકાના વડગામનો માલધારી પરીવાર ગામમાં જ સમાજના એક બેસણામાં ગયા હતા. અને તસ્કરોની ગેન્ગે માત્ર દોઢ કલાકના ગાળામાં મકાન અને કબાટના તાળા તોડી સોના ચાંદીના અને રોકડ મળી કુલ રૂ.૫,૭૫,૦૦૦ના મુદામાલની ચોરી કરી ગયા હતા. પાટડી પથંકમાં પાછલા કેટલાક દિવસથી ચોરીની વધતી જતી ઘટનાઓથી લોકોમાં ભયની લાગણી ફેલાઇ છે.

જેમાં એક સાથે દશ મકાનના તાળા તૂટવાની ઘટનાબાદ પાટડી અમનપાર્ક અને વંદેમાતરમ સોસાયટીમાં પણ દશથી વધુ મકાનોના તાળા તૂટવા છતાં આજ દિન સુધી એક પણ ચોરીનો ભેદના ઉકેલાયો નથી. ત્યારે પાટડીમાં વડગામમાં રહેતા પાલજીભાઇ માધાભાઇ રબારી અને પરિવારજનો ગામમાં જ રહેતા નસાભાઇ ધનાભાઇ રબારીના દિકરાના બેસણામાં દ્યેરથી સવારે ૯ વાગ્યે નીકળ્યા બાદ દોઢ કલાક બાદ સવારે ૧૦.૩૦ વાગ્યે દ્યરે પરત આવ્યા હતા.

ત્યારે મકાનનું તાળું અને મકાનની દિવાલના લગાવેલા કબાટના તાળા તૂટેલા જોતા ઘરમાં ચોરી થઇ હોવાનું ધ્યાને આવ્યું હતુ. ઘરમાં તપાસ કરતા તસ્કરોએ મકાન અને કબાટના તાળાં તોડી કબાટમાંથી સોનાની બે રામરામી, ચાર તોલા સોનાની કડી, સોનાની બે ચેનો, વીંટી નંગ ૩, સોનાનું પેન્ડલ, સોનાના કાનના દાગીના, ચાંદીનો કંદોરો, લક્કી સહિત સોનાચાંદીના મળી રૂ. ૫,૭૦,૦૦૦ના દાગીના અને રૂ.૫૦,૦૦ રોકડા મળી કુલ રૂ.૫,૭૫,૦૦૦ના મુદામાલની ચોરી કરી ગયા હતા.

આ બનાવ અંગે પાલજીભાઇ માધાભાઇ રબારીએ દસાડા પોલીસ મથકે ચોરી અંગેની ફરીયાદ નોંધાવતા દસાડા પી.એસ.આઇ. જે.જે.ચૌહાણ, સુરેશભાઇ આહિર અને એ.એલ.સૈયદ સહિતના પોલીસ સ્ટાફે વડગામ ગામેં દોડી જઇ ચોરીનો ભેદ ઉકેલવા ડોગ સ્કવોડ, એફ.એસ.એલ અને ફ્રિન્ગર પ્રિન્ટ નિષ્ણાતની મદદ લેવાની તજવીજ હાથ ધરી તસ્કરોની ગેન્ગને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ દસાડા પીએસઆઇ જે.જે.ચૌહાણ ચલાવી રહ્યાં છે.નાનકડા એવા ગામમાં આટલી મોટી ચોરીની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ઉપરાંત લોકોમાં ફફળાટની લાગણી પણ ફેલાઇ છે.

(3:49 pm IST)