Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

પરમાત્માએ શરીર આપ્યું એ જ સૌથી મોટુ ફળ, બીજે ભીખ શા માટે માંગવી : પૂ.મોરારીબાપુ

દક્ષિણ આફ્રિકામાં આયોજીત 'માનસ હનુમાના' શ્રીરામ કથાનો ચોથો દિવસ

તસ્વીરમાં આફ્રિકા ખાતે આયોજીત કથાની તસ્વીરી ઝલક. (તસ્વીર - અહેવાલ : તખુભાઇ સાંડસુર (વેળાવદર), મુકેશ પંડિત - ઇશ્વરીયા)(૪૫.૪)

ઇશ્વરીયા - વેળાવદર તા.૨૩ : દક્ષિણ આફ્રિકાના રવાન્ડાની રાજધાની કિગાલી ખાતે પૂ.મોરારીબાપુના વ્યાસાસને આયોજીત માનસ હનુમાના શ્રી રામકથાનો આજે ચોથો દિવસ છે.

પૂ.મોરારીબાપુના વ્યાસાસને આફ્રિકાના રવાન્ડા દેશની રાજધાની કિગાલી ખાતે રામકથાના આયોજનથી સ્થાનિક ગુજરાતી તથા હિન્દી અને પરિવારોમાં ઉત્સાહભાવનું વાતાવરણ રહ્યુ છે.

પૂ.મોરારીબાપુએ મંગલાચરણ કરાવતા કહ્યુ કે, રામાયણની દરેક ચોપાઇમાં કોઇને કોઇ રીતે હનુમાનજી રહેલા છે. મહાબીર બિનાઉ હનુમાના, રામ જાસુ જસ આપ બખાના... ચોપાઇ કેન્દ્ર સ્થાને રાખી માનસ હનુમાના પ્રારંભ કરાવતા શ્રી મોરારીબાપુએ અહિ અગાઉ લાખો લોકોના થયેલા સંહારનું સ્મરણ કરી, અંજલી પાઠવી. આ કથા મૃત્તાત્માઓને શ્રધ્ધાંજલીરૂપ અર્પણ કરાનાર હોવાનુ કહ્યુ.

શ્રી મોરારીબાપુએ પ્રેમ અને પરમાર્થ મહિમા છે તેમ જણાવી કદાચ પરમાત્માનું વર્ણન થઇ શકે પરંતુ પ્રેમનું તો નહિ જ તેમ ઉમેર્યુ. રામાયણના તાપસ પાત્રના વર્ણન સાથેના પ્રસંગો વર્ણવાયા. જ્ઞાન વૈરાગ્ય ભલે બુઢ્ઢા થાય પરંતુ ભકિત યુવાન રહે છે. વિવિધ કાંડોમાં હનુમાનજીની ઉપસ્થિતિનું વર્ણન કરાયુ. તુલસીદાસજી દ્વારા રામાયણ પ્રારંભે થયેલી વંદનાઓનું ગાન કરવામાં આવ્યુ હતુ.

શ્રી નિલેશભાઇ જસાણીએ પણ પ્રારંભે ટુંકી વાત કરી આ કથાના પ્રારંભે રવાન્ડા સરકારના કેટલાક પ્રધાનો અને અધિકારીઓ જોડાયા હતા.

પૂ.મોરારીબાપુએ કહ્યુ કે પરમાત્માએ શરીર આપ્યુ એ જ સૌથી મોટુ ફળ આપણને મળી ગયુ છે તો બીજે ભીખ શા માટે માંગવી ? આનંદ રામાયણના ૧૨ હનુમાનજીની કથા થઇ.દેશ કાળ પ્રમાણે શાસ્ત્રોમાં સંશોધન જરૂરી હોવાનું કહ્યુ. સમાધીઓનું વર્ણન કરતા શ્રી મોરારીબાપુએ કહ્યુ કે, ગુફામાંથી ગૃહમાં સમાધીભાષા લાવવી પડશે.

પ્રાકૃતિક સૌદર્ય તથા સંપદાથી ભરપુર મધ્ય આફ્રિકાના રવાન્ડા દેશની રાજધાની કિગાલીમાં શનિવાર તા.૨૦-૪-૧૯ના રોજ માનસ હનુમાના કથાનો મંગલ પ્રારંભ થયો.

પ્રથમ દિનના મંગલાચરણમાં રવાન્ડા દેશના રાષ્ટ્ર પ્રમુખ શ્રી પોલ કગામે વિશેષ હાજર રહી કથા શ્રાવકોને સંબોધિત કરતા કહ્યુ, અમારા દેશમાં આવો સુંદર મજાનુ ધાર્મિક કાર્યક્રમ યોજવા બદલ સરકાર આયોજકોનો ખાસ આભાર માને છે એટલુ જ નહિ આપ સૌની સારી સવલતો, સલામતી મળે એ માટે સરકાર પ્રતિબધ્ધ છે. પૂજય મોરારીબાપુને સરકાર દેશના વિશેષ અતિથિ ગણે છે. એટલુ જ નહી તેમણે રવાન્ડા નરસંહારમાં જાન ગુમાવનાર પરિવારને સાંત્વના, આત્માની મુકિત માટેના કરેલા સંકલ્પ માટે હું તેનો વિશેષ આભાર માનુ છુ. આવા કાર્યક્રમો માટે અમારા દેશમાં પધારતા રહેશો તેવી વિનંતી રાષ્ટ્રપ્રમુખ શ્રી કગામે સાથે તેના મંત્રીમંડળના સભ્યો શ્રી રિચાડર્સે ઝિબ્રા, અનાસ્તોય સીયાકો, ચોરાયા હેજીઆરેમી, ફ્રાન્સીસ કાતરે સહિતના મંત્રીઓ વિશેષ ઉપસ્થિત હતા.

કથા આયોજક શ્રી આશિષ ઠકકરે સૌને આવકારી રવાન્ડિયન સરકારનો આભાર વ્યકત કર્યો હતો. બાપુ પ્રત્યેના સોહાર્દને અભિવ્યકત કરતા તેઓએ ભાવુક શબ્દોમાં કહ્યુ હતુ. મારૂ જીવન એ જ બાપુ છે. બાપુ દ્વારા યોજાતા આવા યજ્ઞકાર્યમાં અમે માત્ર નિમિત બનવાનો આનંદ લઇએ છીએ. રવાન્ડા દુનિયાના આર્થિક ૧૦ સુરક્ષીત દેશો પૈકીનો એક રાષ્ટ્ર હોવાનુ તથા તે પ્રગતિના પંથે હોવાનુ પણ ગૌરવ કરીએ છીએ. ટીનાભાઇ જસાણીએ પૂજય બાપુ વતી રાષ્ટ્રપ્રમુખના વિવેક, સૌદર્ય, સૌજન્યને બિરદાવ્યા હતા.

રવાન્ડાનું મુખ્ય મથક કિગાલી દુનિયાના સ્વચ્છ તથા પ્લાસ્ટીક મુકત શહેરોમાંનું એક છે. કીગાલી કન્વેન્શન સેન્ટરના સભાખંડમાં પ્રથમ દિવસની રામકથાનું નામાભિધાન પૂજય મોરારીબાપુએ માનસ હનુમાના કહ્યુ હતુ. પ્રારંભે રવાન્ડાનું ઇન્ટોર નૃત્ય તથા ઢોલ નૃત્યની પણ પ્રસ્તુતી થઇ હતી.

(11:53 am IST)