Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ભાવનગરમાં જીતુભાઇ વાઘાણી, ડો. માંડવીયા, વિભાવરીબેન, ભારતીબેન શ્યાળ કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઇ પટેલ સહિતનાએ મતદાન કર્યું

ભાવનગર, તા. ર૩ : ભાવનગરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, કેન્દ્રીયમંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા, રાજયમંત્રી વિભાવરીબેન દવે તથા કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા અને ભાવનગરના ઉમેદવાર મનહરભાઇ પટેલ સહિત બન્ને રાજકીય પક્ષોના મહાનુભાવોએ મતદાન કર્યું હતું.

આજે લોકસભાની ચૂંટણીનું મતદાન હતું. ભાવનગરમાં સવારે ૭ વાગ્યાથી જ લોકો મતદાન કરવા નીકળી પડયા હતા. શહેરના કાળીયાબીડ વિસ્તાર સરકારી કુમાર છાત્રાલય ઇસ્કોન સોસાયટીની બાજુમાં મતદાન કેન્દ્ર ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ સવારે ૮-૩૦ કલાકે મતદાન કર્યું હતું. જયારે ભાજપના ઉમેદવાર ડો. ભારતીબેન શ્યાળે તળાજાના મથાવડા ગામે પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયાએ પાલિતાણા ખાતે હણોલ ગામે પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું. જયારે રાજયમંત્રી વિભાવરીબેન દવેએ ભાવનગરના હિલડ્રાઇવ ખાતે વાળંદ વિદ્યાર્થી ગૃહ ખાતે મતદાન કર્યું હતું. ઉપરાંત પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ સાંસદ રાજુભાઇ રાણા, જીલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, પૂર્વ મંત્રી મહેન્દ્રભાઇ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ સનતભાઇ મોદી, મેયર મોરી વિગેરે આગેવાનોએ સવારે જ મતદાન કર્યું હતું.

જયારે ભાવનગરના કોંગ્રેસના ઉમેદવાર અને પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા મનહરભાઇ પટેલએ તેમના વતન વલભીપુર તાબેના પાટણા ગામે સવારે મતદાન કર્યું હતું.

ભાવનગરમાં જાગૃત મતદાર ભરતભાઇ મોણપરા અને તેના પત્ની રંજનબેને સવારે ૭ વાગ્યે જ મતદાન શરૂ થયું તે તરત જ પોતાનો મત આપેલ. આ દંપતિ દર ચૂંટણીમાં સવારે જ મતદાન કરે છે.

(11:47 am IST)