Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

શરૂઆતના ત્રણ કલાક દરમ્યાન કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં ઉત્સાહ અને શહેરી વિસ્તારોમાં થોડી સુસ્તી સાથે મતદાનનો પ્રારંભ

ભૂજ, તા. ર૩ :  લોકસભાની ચૂંટણીના મતદાનના પ્રથમ ત્રણ કલાક દરમ્યાન કચ્છમાં શાંતિપૂર્ણ માહોલ રહ્યા હતો. મતદાન યાદીમાં કયાંક નામોની અધૂરાશને કારણે થોડી નારાજગી જોવા મળી હતી. ભાજપના કચ્છના આગેવાનો પૂર્વ મંત્રી તારાચંદભાઈ છેડાએ ભુજમાં, વર્તમાન રાજયમંત્રી વાસણ આહીરે પોતાના ગામ રતનાલમાં, કોંગ્રેસના રાપરના ધારાસભ્ય સંતોકબેન પટેલે તેમના પતિ ભચુભાઈ સાથે રાપરમાં મતદાન કર્યું હતું. મોરબી મત વિસ્તારનો કચ્છ લોકસભા બેઠકમાં સમાવેશ છે, મોરબીના કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબીમાં મતદાન કર્યું હતું. એકંદરે શરૂઆતના ત્રણ કલાક ૭ થી ૧૦ દરમ્યાન કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં મતદાન માટે ઉત્સાહભર્યો જયારે શહેરી વિસ્તારમાં થોડો સુસ્ત માહોલ જોવા મળ્યો હતો. ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ ભુજના આશાપુરા મંદિર અને સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા બાદ પોતાના ગામ સુખપર (રોહા) મધ્યે મતદાન કર્યું હતું. જયારે કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીએ પોતાના ગામ માધાપર (ભુજ) મધ્યે મતદાન કર્યું હતું.

 માધાપર (ભુજ) માં દિવ્યાંગ મતદારોએ મતદાન કરી પોતાની જાગૃતિ દર્શાવી હતી.

(11:46 am IST)