Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

પબુભા માણેકને ફટકો : સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે મળ્યો નહી

હાઇકોર્ટે દ્વારકા માટેની ચૂંટણી રદ કરી હતી : સુપ્રીમમાંથી રાહત નહીં મળતાં પબુભા માણેક ધારાસભ્ય તરીકે કામ નહી કરી શકે : સપ્ટેમ્બર મહિનામાં સુનાવણી

અમદાવાદ,તા.૨૨ : દ્વારકા વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના ઉમેદવાર પબુભા માણેકના ફોર્મમાં ભુલ હોવાના મામલે થયેલી ઇલેકશન પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણી રદ કરવાનો આદેશ કર્યો હતો. આ મામલે પબુભાએ હાઈકોર્ટના ચુકાદાને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આજની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે મુકવાનો ઈન્કાર કર્યો હતો. જેને પગલે પબુભા માણેકને સુપ્રીમકોર્ટમાંથી બહુ મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમકોર્ટમાંથી કોઇ રાહત નહી મળતાં પબુભા માણેક ધારાસભ્ય તરીકે કામ નહી કરી શકે. સુપ્રીમકોર્ટે આ કેસની વધુ સુનાવણી સપ્ટેમ્બર માસમાં મુકરર કરી હતી અને ત્યાં સુધી આ બેઠકની ચૂંટણી નહી યોજવા પણ તાકીદ કરી હતી. સુપ્રીમકોર્ટમાંથી રાહત નહી મળ્યા બાદ પબુભાએ તેમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો હોવાનો દાવો કર્યો હતો. દ્વારકા ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય પબુભા માણેક ૬૯૪૩ મતોની લીડથી વિજયી થયા હતા. ત્યારે તેમની સામે હારેલા કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ પબુભાની જીત અને તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે મેરામણ ગોરિયાની અરજી અંશતઃગ્રાહ્ય રાખી હતી અને દ્વારકા વિધાનસભા બેઠકની ચૂંટણી રદબાતલ ઠરાવી હતી. જેને પગલે ભાજપના વિજયી ઉમેદવાર પબુભા માણેકનું ધારાસભ્ય પદ છીનવાઇ ગયું હતું. પબુભા માણકે હાઇકોર્ટના આ ચુકાદાને સુપ્રીમકોર્ટમાં પડકાર્યો હતો. પબુભા દ્વારા વચગાળાની રાહતના ભાગરૂપે હાઇકોર્ટના ચુકાદા સામે સ્ટેની માંગણી કરાઇ હતી. જો કે, સુપ્રીમકોર્ટે તેમને કોઇ રાહત આપી ન હતી અને કેસની વધુ સુનાવણી સપ્ટેમ્બર માસમાં મુકરર કરી હતી. સુપ્રીમ કોર્ટમાં આજે હાથ ધરાયેલી સુનાવણીમાં કોઇ રાહત નહી મળતાં હવે પબુભા ધારાસભ્ય પદ તરીકે કામ નહીં કરી શકે.

(8:20 pm IST)