Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

મગફળી ઉપાડવા માટે જૂનાગઢના ઝાંપોદર ગામના સંજય ટીલવાનું સંશોધનઃ પાક નિષ્‍ફળ ગયા બાદ આપત્તિથી હારી જવાને બદલે મશીનનું નિર્માણ કર્યું

જૂનાગઢઃ ખેતરમાં મગફળીનો પાક તૈયાર થયા પછી તેને ઝડપથી ઉપાડી શકાય એ માટે જૂનાગઢના એક યુવાને મશીન (ગ્રાઉન્ડનટ ડિગર) બનાવ્યું છે. આ સંશોધન દ્વારા ખેડૂતો માટે સિઝનમાં મજૂરોની અછતનો પ્રશ્ન હળવો થશે અને ખેડૂતો ખેતરમાંથી ઝડપથી મગફળી ઉપાડી શકશે. મગફળીની ખેતીમાં આઉટપુટ કોસ્ટ ઘટશે.

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ઝાંપોદર ગામના યુવાન સંજય ટીલવાએ આ સંશોધન કર્યુ છે. 36 વર્ષીય સંજય ટીલવા કોમર્સ ગ્રેજ્યુએટ છે અને ખેડૂતપુત્ર છે. તેઓ પોતે પણ મગફળી પકવે. થોડા વરસ પહેલા એવું બન્યુ કે, કમોસમી વરસાદ પડ્યો અને તેમના મગફળીના ઉભાપાકમાં નુકશાન થયું. મગફળી ખેતરમાં જ સડી ગઇ. આખો પાક નિષ્ફળ ગયો. સંજય ટીલવાએ આ આપત્તિથી હારી જવાને બદલે તેનો ઉકેલ લાવવા મથામણ હાથ ધરી અને મગફળીનો પાક તૈયાર થયા પછી તેને ઉપાડવા માટે (ગ્રાઉન્ડનટ ડિગર) મશીન બનાવાની શરૂઆત કરી.

સંજય ટીલવા કોમર્સ ગ્રેજ્યુએટ છે અને હવે રાજકોટ રહે છે. તેમણે તેમના આ સંશોધન વિશે વિગતે વાત કરી. "2006-07ના વર્ષમાં મેં મગફળી ઉપાડવા માટેનું (ગ્રાઉન્ડનટ ડિગર) મશિન બનાવવી શરૂઆત કરી. અલગ-અલગ પ્રયોગો શરૂ કર્યા. હું પોતે ખેડૂતપુત્ર છું અને અનેક ખેડૂતોને મળ્યા પછી અનુભવ્યું કે, મગફળીનો પાક ખેતરમાં તૈયાર થાય ત્યારે મજૂરો મળતા નથી અને ઉપાડવાની કિંમત ખેડૂતોને મોંઘી પડે છે. આઉટપુટ કોસ્ટ વધી રહી છે. જો ઉનાળું મગફળીનું વાવેતર કરો તો વહેલા વરસાદની ચિંતા રહે છે. આ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ઇચ્છાએ મને પ્રેરણા આપી હતી. પાંચેક વર્ષ આ માટે પ્રયોગો કર્યા. ખેડૂતોના પ્રતિભાવોને ધ્યાનમાં રાખી તેમાં સુધારા કર્યા અને હવે તે સંપૂર્ણ રીતે તૈયાર થઇ ગયું છે. ખેડૂતોને મશિનનું વેચાણ શરૂ કરી દીધું છે."

સંજય ટીલવા હવે રાજકોટ રહે છે અને શાપર-વેરાવળ ખાતે ફેક્ટરી નાંખી છે અને ગ્રાઉન્ડનટ ડિગરનું ઉત્પાદન શરૂ કર્યુ છે. તેઓ કહે છે કે, આ મશીન દ્વારા એક કલાકમાં દોઢ એકર વિસ્તારમાંથી મગફળી કાઢી શકાય છે. તેની કિંમત 1.15 લાખ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ પણ આ મશીનનું ટેસ્ટિંગ કર્યુ છે અને પાંચેક જેટલા મશીનનો મારી પાસેથી ખરીદ્યા છે. ગુજરાત ઉપરાંત, તામિલનાડુ, કર્ણાટકા, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં આ ગ્રાઉન્ડનટ ડિગરનું વેચાણ થાય છે. ત્યાંથી સરકારોએ આ મશીન ખરીદવા પર ખેડૂતોને સબસિડી પણ આપે છે. આ સંશોધનને પેટન્ટ મળે એ માટે નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન (એનઆઇએફ) દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે."

સંજય ટીલવા જેવા યુવાનોના સંશોધનો ઉપયોગી એટલા માટે છે કે એ સંશોધનો નાના-માણસને નડતા પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. સામાન્ય માણસની જિંદગી સરળ બનાવે છે. સામાન્ય માણસોની જિંદગી સરળ થાય એવા ઇનોવેશન અને સંશોધનો એ આપણા દેશની તાતી જરૂર છે. સંજય ટીલવાનું સંશોધન આ દિશામાં એક રાહ ચીંધે છે.

(6:20 pm IST)