Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

સ્થળ પર ૬૪ હજાર રૂ.નો રેકોર્ડ દંડઃ ખંભાળીયા પોલીસ દ્વારા મેગા ચક્રવ્યુહ ટ્રાફીક ઝૂંબેશ

ખંભાળીયા તા. ર૩ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડાની રોહન આનંદ તથા એ. એસ. પી. શ્રી પ્રશાંતકુમાર જુમ્બેના માર્ગદર્શન હેઠળ ખંભાળીયા પોલીસ દ્વારા રેકોર્ડ રૂપ ટ્રાફીક ચક્રવ્યુહની કામગીરી કરીને એક જ દિવસમાં ૬૪૦૦૦ નો દંડ સાત વાહન ડીટેન સાથે ઢગલાબંધ કેસો કરીને ટ્રાફીકની શ્રેષ્ઠ કામગીરી અત્યાર સુધીની કરી હતી.

ખંભાળીયામાં ચાર રસ્તા પાસે, જામનગર હાઇવે પર, રેલ્વે સ્ટેશન, નગર ગેઇટ, જોધપુર ગેઇટ, શિવમ ગર્લ્સ હાઇસ્કુલ પાસે દ્વારકા ગેઇટ, ચાર રસ્તા મીલન પાસે એમ એક જ સમયે ૧૧ સ્થળે ચેકીંગ કાર્યવાહી કરતા એક સાથે ઢગલાબંધ વાહન ચાલકો કાગળો વગર, પી. યુ. સી. વગર, લાયસન્સ વગર, ત્રણ સવારી, નાના બાળકો દ્વારા ડ્રાઇવીંગ પર પકડાતા ૬૪૦૦૦ રૂ. નો માતબર દંડ વસુલ કરીને સાત વાહનો ડીટેન કરતા ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પો. સ. ઇ. એન. આઇ. રાઠોડ, પો. સ. ઇ. વાય. જી. મકવાણા તથા પો. સ. ઇ. કે. એન. ઠાકરીયા તથા પોલીસ સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.

એક સાથે ૧૧-૧૧ સ્થળે ચેકીંગ કરાતા ગામમાં આ શું થયંુ ? કોઇ નવા અધિકારી આવ્યા કે શું ? કે નવું શું થયું ? તેવો પ્રશ્ન પુછાઇ રહ્યો હતો તો ગલીઓ અને ખાંચામાંથી ટ્રાફીક પોલીસની ધ્યાને ના આવે તેવી રીતે વાહન ચાલકો ભાગવા માંડયા હતાં.

માનવીય અભિગમ

એ. એસ. પી. પ્રશાંતકુમારે જણાવ્યું હતું કે શનિ-રવિ રજા હોય ગાડી ડીટેન કરતા બીજા દિવસે આરટીઓ બંધ હોય તકલીફ થાય તેથી ગાડી ડીટેનના માત્ર સાત કેસ કરીને હાજર દંડ વસૂલાયો હતો.

હેલ્મેટ ના પહેરવાના નિયમ ભંગના ૩૧ કેસો, સીટ બેલ્ટ વગરના માટે ર૯ કેસો, ફેન્સી નંબર પ્લેટ માટે ૭ કેસો, મ્યુઝીકલ હોર્નના ર કેસો તથા ૪૧ કેસો અન્ય ટ્રાફીક નિયમોના ભંગના કરવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત બે વાહનો ડીટેન કરવામાં આવ્યા હતા તથા ૩ વાહનો સામે એન. સી. કેસ કરાયા હતા તથા એક વાહન ચાલકને દારૂ પીને વાહન ચલાવતા તથા એક વાહન ચાલકને મોબાઇલ સાથે વાહન ચલાવતા પકડીને કેસ કરવામાં આવ્યો હતો.

હજુ પણ આવી ટ્રાફીક ઝૂંબેશ શરૂ રાખવામાં આવશે.

એ. એસ. પી. શ્રી પ્રશાંતકુમાર જુમ્બે એ જણાવ્યું હતું કે ખંભાળીયામાં ત્રણ સવારી વાળા ટુ વ્હીલરવાળા, લાયસન્સ વગરના વાહનો, તથા આડેધડ ચાલતા વાહન ચાલકોની સામે પગલા પછી હવે આડેધડ રીતે રસ્તાને નડતરરૂપ રાખતા વાહન ચાલકો સામે આકરા પગલા શરૂ થશે.

પ્રથમ તબક્કામાં ખંભાળીયા પાલિકાના ટોઇંગ વાહનની મદદ લઇને આડેધડ રીતે પાર્કીંગ થયેલા ટુ વ્હીલરોને વાહનના નાખીને ઉપાડી જવાશે તથા આડેધડ રીતે તથા રસ્તાને નડતર પાર્ક થયેલ ફોર વ્હીલર વાહનોના વ્હીલમાં લોક લગાડીને તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ટ્રાફીક જાગૃતતા મુદે જનતાએ સહકાર આપવા તથા સુચનો કરવા માટે પણ શ્રી પ્રશાંતકુમાર દ્વારા અપીલ કરાઇ છે તથા તેમનો મોબાઇલ નંબર પણ જાહેર કરાયો છે. (પ-૧૪)

 

(1:24 pm IST)