Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ગુરૂ-શુક્ર નાગનાથ મંદિરનો દ્વિશતાબ્દિ મહોત્સવ

વડોદરા-કાઠિયાવાડના દિવાનોના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા થઇ હતીઃ અમરેલીમાં આનંદોત્સવઃ સમજણ એ જ નારાયણ શ્રદ્ધા છે મને એટલી તારી દયા ઉપર કીધાં નથી જે પાપ મે એ પણ કબુલ છે

''રૂડા મંગળ ગાઓ, રૂડા તોરણ બંધાવો...આજની ઘડી તે રળીયામણી...'' અમરેલીની આસ્થા જયાં કાયમ ઉતારો કરે છે, શહેરની શ્રદ્ધા જયાં સદાયે સ્થિર થાય છે, તેવું આપણા સૌનું ધર્મ, ભકિત, આસ્થા અને અખંડ શ્રદ્ધાનું પવિત્ર સ્થાનક એટલે આપણું નાગનાથ મંદિર ! આપણાં સૌનાં આરાધ્ય એવા સ્વયંભુ પ્રગટ નાગનાથ દાદાનાં આ ભવ્ય અને દિવ્ય મંદિરની સ્થાપનાને જયારે બે સદીઓ પૂર્ણ થઇ રહી છે, ત્યારે આપણાં આંગણે આ દ્વિશતાબ્દિ મહોત્સવની સોનેરી ક્ષણો તા. ર૬/૪/ર૦૧૮ અને તા. ર૭/૪/ર૦૧૮ નાં રોજ આંગણે આવી રહી છે. ''ન ભૂતો ન ભવિષ્યતિ'' જેવો આ દ્વિશતાબ્દિ મહોત્સવ એ દરેક અમરેલીજનો માટેપૂણ્યનું ભાતું બાંધી લેવાનો અનેરો, અમૂલ્ય અવસર છે.!

નાગનાથ મંદિરની સ્થાપના, નિર્માણ આજથી બસ્સો વર્ષ પહેલાં વડોદરાનાં દિવાન કાઠિયાવાડ દિવાનજી હસ્તક પ્રાણ પ્રતિષ્ઠા થયેલી. જે સમય ચક્રનાં સોનેરી પ્રવાહને તા.ર૭/૪/ર૦૧૮ નાં રોજ બસ્સો વર્ષપૂર્ણ થયાની ધન્ય ઘડીઓ પ્રાપ્ત થવા જઇ રહી છે. જે આપણાંસૌ માટે હરખની, શ્રધ્ધાની અનેભકિત સાગરમાં ડૂબકી લગાવી લેવાની, પાવન ક્ષણોનું મિલન છે.

આપણે આ બસ્સો વર્ષનાં સુવર્ણ સમયકાળ તરફ નજર કરીએ તો આપણી ત્રણ થી ચાર પેઢીઓ નાગનાથ દાદાનાં આશિર્વાદ લઇને મોટી થઇ છે. આપણામાંથી ઘણાં જ લોકોનાં બાળપણ નાગનાથ મંદિરનાં આંગણમાંથી જ પસાર થયા છે, આપણે અનેક ઉત્સવો, તહેવારો અને શ્રાવણ મહિના નાગનાથ દાદાનાં ખોળે જ પસાર કર્યા છે. અમરેલીનાં ઇતિહાસનાં અનેક સોનેરી પૃષ્ઠો દાદાનાં સાનિધ્યમાં જ લખાયા છે, ત્યારે મંદિરનો આ દ્વિશતાબ્દિ મહોત્સવએ સૌનો પોતાનો જ મહામહોત્સવ છે.

મને પોતાને લાંબા સમયથી નાગનાથ મહાદેવ મંદિરનાં બોર્ડ ઉપર સુવિચારો લખવાનો દિવ્ય લાભ મળ્યો છે. વડીલ સ્વ. જાદવબાપાનાં લાગણીસભર આગ્રહથી, મિત્ર પરેશ પાઠક સાથે મળીને શરૂ કરેલી સુવિચાર લેખન યાત્રા, આજે છેલ્લા દસ વર્ષથી ચલાવી રહ્યો છું. લાગલગાટ અગીયાર વર્ષથી મંદિરનાં બોર્ડ ઉપર નિયમીત, વ્યવસ્થિત, ચોક્કસ અને પધ્ધતિસરનાં સુવિચારો લખીને એ રીતે સમાજમાં સદવિચારનો ફેલાવો કરૃં છું, અને આ રીતે નાગનાથ દાદાનાં ચરણે વિચારો રૂપી બિલીપત્રો ધરૂ છું. જેનો અનેરો આનંદ છે. સૌ ઉપર દાદાની અપાર કૃપા રહી છે.

સમગ્ર શહેરમાં અને આજુ બાજુનાં વિસ્તારમાં આ દ્વિશતાબ્દિ મહોત્સવને લઇને ખૂબ જ ઉત્કંઠા અને થનગનાટ છે, આયોજકો, વ્યવસ્થાપકો અને સૌ શિવભકતો ખૂબજ મહેનત કરી રહ્યાં છે, જહેમત ઉઠાવી રહ્યાં છે. આપણે સૌ તેમની સાથે ખભાથી ખભા મીલાવી અને મહામહોત્સવને અવિસ્મરણીય બનાવીએ આપણાંથી થઇ શકે તેમ તન, મન, ધનથી આ મહાયજ્ઞમાં સેવા આપીએ. નાગનાથ દાદા સૌનું કલ્યાણ કરે તેવી ભાવના પ્રાર્થના સાથે પ્રણામ. યોગેશ ભટ્ટ જય નાગનાથ બિલીપત્ર ઇચ્છાઓ સઘળી ફળે, જેને નાગનાથ દાદાની કૃપા મળે.

યોગેશ ભટ્ટ

(બીએએલએલબી)

મો.૯૯૨૪૦ ૧૩૪૬૪

(9:46 am IST)