Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

વગર ચોમાસે વાવણી જેવા વરસાદથી ખેડૂતોના મોઢે આવેલ કોળીયો છીનવાયો

પાકમાં નુકસાન થતાં વળતરની માંગ : મોટી પાનેલી, જામજોધપુર, જુનાગઢ, સીદસર ઉમાધામ, અમરેલી, ગોંડલ, ઉપલેટા, ધોરાજી સહિત : સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગાજવીજ સાથે વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી : સવારથી ઠંડક સાથે મિશ્ર હવામાન

પ્રથમ તસ્‍વીરમાં મોટી પાનેલી તથા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઘઉંના પૂળા પલળી ગયા છે તે નજરે પડે છે. બીજી તસ્‍વીરમાં શેરીમાં પાણીની નદીઓ, ત્રીજી તસ્‍વીરમાં ખંભાળીયામાં પડેલ વરસાદ, ચોથી તસ્‍વીરમાં ધોરાજી, પાંચમી તસ્‍વીરમાં આટકોટ તથા છઠ્ઠી તસ્‍વીરમાં માળીયાહાટીનામાં પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્‍વીર : અતુલ ચગ - ચંદ્રેશ હિરાણી, મોટી પાનેલી, કૌશલ સવજાણી - ખંભાળીયા, ધર્મેન્‍દ્ર બાબરીયા - કિશોર રાઠોડ, ધોરાજી, કરશન બામટા, આટકોટ, મહેશ કાનાબાર, માળીયાહાટીના) (૨૧.૧૧)

રાજકોટ તા. ૨૩ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કાલે બપોરે અચાનક હવામાનમાં પલ્‍ટો આવ્‍યો હતો અને ગાજવીજ સાથે અનેક જગ્‍યાએ ઝાપટાથી માંડીને ૨ ઇંચ સુધી વરસાદ પડયો હતો.

ચોમાસા વગર ચોમાસા જેવો માહોલ છવાઇ જતા અને વરસાદ તૂટી પડતા ખેડૂતોના મોઢે આવેલ પાક રૂપી કોળીયો છીનવાઇ ગયો છે.

ગઇકાલે મોટી પાનેલી, જામજોધપુર, જુનાગઢ, સીદસર - ઉમાધામ, અમરેલી, ગોંડલ, ઉપલેટા, ધોરાજી, રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છના અનેક વિસ્‍તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું.

આજે સવારે ઠંડક સાથે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર હવામાન યથાવત છે.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ : જૂનાગઢ સહિત સોરઠમાં આજે પણ સવારથી વાદળછાયુ વાતાવરણ રહેવા પામ્‍યું છે.

બુધવારે જૂનાગઢમાં બપોરના પવન સાથે ધોધમાર વરસાદ થયો હતો. જેના કારણે લોકો મુશ્‍કેલીમાં મુકાય ગયા હતા.

આજે પણ સવારથી આકાશમાં છાદળા છવાયેલા હોવાથી કમોસમી વરસાદની સંભાવના પ્રવર્તે છે.

દરમિયાન સવારે જૂનાગઢ શહેરનું લઘુત્તમ તાપમાન ૨૨ ટકા રહ્યું હતું. જ્‍યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૮૫ ટકા થઇ જતાં ઠંડક પ્રસરી ગઇ હતી. સવારના પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૬ કિમીની રહી હતી.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : દેવભુમિ દ્વારકા જિલ્લામાં સતત પાંચ દિવસથી રોજ અનેક વિસ્‍તારોમાં ભારે વરસાદના વાતાવરણથી ભરચોમાસા જેવી સ્‍થિતિ સર્જાય છે.

ગઇકાલે બ.હ ગામ તથા નજીકના ગામોમાં તથા તેના આગલા દિવસે વીરમદડ, દેવળીયા જેવા ગામોમાં અત્‍યંત ભારે વરસાદ બે-ત્રણ ઇંચ જેટલો પડતા અનેક સ્‍થળે ચેકડેમો ઓવરફલો થઇ ગયા હતા તથા ભારે વરસાદને કારણે ખેડૂતો મુશ્‍કેલીમાં મુકાઇ ગયા હતા તો ખેડૂતોને પણ ભારે નુકસાન થયું હતું.

વરસાદથી ખેતરો પાણીથી ભરાઇ ગયા હતા તથા ભારે ગાજવીજ સાથેના વરસાદથી ભરચોમાસા જેવી સ્‍થિતિ સર્જાઇ હતી. જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : લઘુત્તમ તાપમાન ૨૩ ડીગ્રી, મહત્તમ ૩૦ ડિગ્રી, ભેજ ૮૨ ટકા અને પવન ૬ કિ.મી.ની ઝડપે ફુંકાયો હતો.

ગોંડલ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : ગોંડલમા ગઇકાલે બપોરના સુમારે વાતાવરણ પલટાયા બાદ મીની વાવાઝોડા સાથે વરસાદ ત્રાટક્‍યો હતો. ભારે પવન ફુંકાવા સાથે તોફાની વરસાદ વરસતા લોકો અચંબીત બન્‍યા હતા. રીબડા, શાપર વેરાવળ અને પારડીમા પણ ધોધમાર વરસાદ વરસ્‍યો હતો.

ઉપલેટા

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા : ઉપલેટા ગઇકાલે બપોર બાદ તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગઢાળા, ખાખી જાડિયા, મોટી પાનેલી સહિતના ગામડામાં ભારે પવન સાથે વરસાદ પડેલ હતો. આ વરસાદમાં ખેડૂતોના ખેતરમાં ઊભા પાક ઘઉં, કપાસ, ચણા સહિતના અનેક પાકોમાં ભારે નુકસાની થયેલ હતી. મોટી પાનેલી ગામᅠઅડધો ઇંચ તથા ગઢાળા ગામમાં એક ઈંચ જેટલો વરસાદ પડયો હતો.

મોટીપાનેલી

(અતુલ ચગ દ્વારા) મોટીપાનેલી : ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં ગઇકાલે બપોરે વાતાવરણ પલટાયું હતું. શરૂઆતમાં ધીમીધારે વરસાદ આવતો હતો ત્‍યારે જ ખેડૂતોના મુખ પર ચિંતા સ્‍પષ્ટ દેખાઈ આવેલી જોતજોતામાં વરસાદે ધનાધન વરસવાનું ચાલુ કરતા સતત અડધી કલાક વરસ્‍યો જે એક ઇંચ જેટલો ભારે પવન સાથે વરસતા ખેતરોમાં ઉભા મોલ ને ભારે નુકશાન ગયું છે. ઘઉં, ધાણા, ચણાના પાકને મોટુ નુકશાન આવવાની સ્‍પષ્ટ ભીતિ છે જગતનો તાત કુદરતની આ આફત સામે નીમાણોᅠ બની બેઠો છે. મોઢે આવેલો પ્‍યાલો કુદરતે છીનવી લેતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્‍યું છે. ખેડૂત બિચારો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે આજુબાજુના હરિયાસણ સતાવડી ખારચીયા જારમાં પણ વરસાદ પડ્‍યો હોવાના અહેવાલ છે. મોસમની ક્રૂર મજાક અને ખેડૂતોની કફોડી હાલતને ધ્‍યાનમાં લઈને નુકશાની અંગે તાત્‍કાલિક સર્વે કરવા અંગેની લેખિત રજુઆત જિલ્લા પંચાયત સભ્‍ય મીરાબેન ભાલોડીયા એ કરેલ છેᅠ

માળીયાહાટીના

(મહેશ કાનાબાર દ્વારા) માળીયાહાટીના : માળીયાહાટીના તાલુકાના જલંધર ગીર ગામમાં ચાર દિવસ પહેલા તોફાની પવન મીની વાવાઝોડું અને વરસાદથી ખેડૂતો અને ગ્રામજનોને મોટા પાયે નુકસાની થયેલ છે ઘણા લોકોના આંબા સાફ થઈ ગયા છે ઘણા લોકોના મકાનોના છાપરા પણ ઉડી ગયા છે અને ઘણાના મકાનોનીᅠ દીવાલોમાં તિરાડો પણ પડી છે. પરંતુ આજ સુધી આ નુકસાનીનું સર્વે થયેલ નથી તો જલંધર ગીરના સરપંચ ભીમભાઈ રબારી અને જિલ્લા પંચાયતના સદસ્‍ય વરાજાંગભાઈᅠ કરમટાએ ઉચ્‍ચકક્ષાએ લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે ᅠઅને તાત્‍કાલિક જલંધર ગીરમાં વરસાદ અને પવનથી થયેલ નુકસાનીનું સર્વે તાત્‍કાલિક કરવા માગણી કરી છે.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટ : આટકોટ પંથકમાં ગઇકાલે બપોરે કમોસમી વરસાદ પડયો હતો રોડ રસ્‍તા ભીના થયા હતા હજું ઘણાં ખેડુતોને ખેતરમાં ઊભા ઘઉંનો પાક લેવાનો બાકી હોય ત્‍યારે કમોસમી માવઠા પડતા હોય જેને લઇ ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. આખો દિવસ ગરમી માહોલ રહ્યા બાદ બપોર ચોમાસા જેવો માહોલ સર્જાયો વરસાદી હળવા ઝાપટા પડ્‍યા હતા રોડ રસ્‍તા ભીના થયા હતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજી ઉપલેટા પંથકમાં ફરી ગઇકાલે વરસાદ આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. અચાનક બપોરે ભારે બફારા બાદ વરસાદ આવતા રસ્‍તા વચ્‍ચે પાણી ફરી વળ્‍યા હતા. આ સમયે અનેક ખેડૂતોને પણ મુશ્‍કેલી ભોગવી પડી હતી. કમોસમી વરસાદ અને કારણે રોગચાળાની પણ ભીતી વધારે સેવાય રહી છે. તાવ શરદી ઉધરસ જેવા રોગનો વ્‍યાપ વધ્‍યો છે. દવાખાનામાં પણ કતાર જોવા મળી રહી છે. કમોસમી વરસાદને કારણે ભેજનું વાતાવરણ વધારે જોવા મળી રહ્યું છે ખેડૂતો પણ ભારે ચિંતામાં મુકાઈ ગયા છે.

(11:16 am IST)