Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

કોડીનારમાં ચૈત્રી નવરાત્રી,રામનવમી અને રમઝાન પર્વ નિમિતે શાંતિ સમિતિની મિટિંગ મળી.

શહેરમાં બાઈકોમાં સ્ટંટ કરતા નવયુવકોને સમજાવવા પી.આઇની આગેવાનોને અપીલ અન્યથા કડક કાર્યવાહી કરવામાં આવશે

કોડીનાર:ગીર સોમનાથ પોલીસ અધિક્ષક ની સૂચના મુજબ કોડીનાર પોલીસ સ્ટેશનમાં આવનારા રામનવમી અને રમઝાન પર્વ નિમિતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.કોડીનારના પી.આઈ.આર.એ.ભોજાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી શાંતિ સમિતિ ની મિટિંગ માં પી.આઈ.ભોજાણીએ ચૈત્રી નવરાત્રી તેમજ આવનારા પવિત્ર રામનવમી અને રમઝાન માસની કોમી એકતા અને ભાઈચારા સાથે શાંતિપૂર્વક રીતે ઉજવણી કરવા અને મોડીરાત્રી સુધી જાગી બાઈકોમાં સ્ટંટ કરતા નવયુવકોને સમજાવવા અન્યથા તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવતા કોડીનારના હિન્દૂ મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ એ રામનવમી અને રમઝાન ની ભાઈચારા અને કોમી એકતા સાથે શાંતિપૂર્ણ રીતે ઊજવવા તંત્ર ને સહકાર ની ખાત્રી આપી હતી.મિટિંગ માં પી.આઈ.આર.એ.ભોજાણી એ હિન્દૂ મુસ્લિમ આગેવાનો પાસેથી બંન્ને તહેવારોની ઉજવણી અંગે માહિતી મેળવી તહેવારો નિમિતે સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવવા ખાતરી આપી હતી.

આ શાંતિ સમિતિની મિટિંગમાં ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ હરીકાકા વિઠલાણી,નગર પાલીકા પ્રમુખ સુભાષભાઈ ડોડીયા, ચંદુભાઈ આશર,પાલીકા સભ્યો સૈયદ દાદાબાપુ કાદરી,હાજી રફીકભાઈ જુણેજા ,મેમણ  જમાતના પ્રમુખ રફીકભાઈ કચ્છી આર.કે.,રમેશભાઈ બજાજ,કોંગ્રેસ પ્રમુખ એડવોકેટ કે.સી.ઉપાધ્યાય,શિવસેના પ્રમુખ રાજુભાઈ બાંભણિયા, રામજન્મોત્સવ સમિતિ વતી ભરતભાઈ બાંભણિયા,રામભાઈ વાઢેળ,એડવોકેટ એ.એમ.નકવી,એહમદભાઈ બેલીમ,જે.કે.મેર,સહિત પત્રકાર મિત્રો સહિત હિન્દૂ મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:45 am IST)