Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

જૂનાગઢમાં સોની યુવાનની આપઘાતની કોશિષમાં સોની બંધુઓની શોધખોળ

યુવકે ફિનાઇલ સાથે એસિડ ગટગટાવી લીધેલ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૨૩: ઝાંઝરડા રોડ સ્થિત ગૌશાળા પાછળ આવેલ પંચામૃત એપાર્ટમેન્ટમાં રહેતા હાર્દિકભાઇ લાઠીગરા (ઉ.વ.૨૭)એ તાજેતરમાં ચોબારી રોડ પર ફિનાઇલની સાથે એસિડ ગટગટાવીને આપઘાતની કોશિષ કરી હતી.

આ યુવાન જૂનાગઢમાં વણઝારી ચોકમાં પીરની દરગાહ પાસે આવેલ શ્યામ જવેલર્સ નામની સોના-ચાંદીનાં દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો.

ત્યારે શેઠે તેનાં  ઉપર સોનાનાં દાગીનાની ચોરીનો આરોપ મુકયો હતો. આ અંગે શેઠ જીતુભાઇ ધોળકિયાએ તથા બે ભાઇઓ શૈલેષ અને અનિલ ઉપરાંત કાર્તિક નામનાં કારીગરે હાર્દિકનાં ઘરે જઇને રૂ. ૭ લાખ તેમજ ૫૧૪ ગ્રામ સોનું લઇ ગયા હતા.

બાદમાં આ અંગે લખાણ કરાવી લઇ ફરી હાર્દિકને બોલાવી તારે ૯૦ લાખ આપવા પડશે તેમાંથી ૩૦ લાખ આપ્યા છે હજુ ૬૦ લાખ બાકી છે તેમ કહીને ધમકી આપી હતી જેનાં કારણે હાર્દિક લાઠીગરાએ આપઘાતની કોશિષ કરી હતી.

આ અંગેની ફરિયાદની તપાસ ચલાવતા પી.એસ.આઇ. કિંજલબેન મારૂએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, સોની વેપારી જીતુ ધોળકિયા તેમજ તેના બે ભાઇઓ શૈલેષ તથા અનિલ અને કારીગર કાર્તિક સામે ધોરણસરની કાર્યવાહી કરી તેની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

હાલ આ શખ્સો મળી આવ્યા ન હોય ચારેય શખ્સેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

(12:30 pm IST)