Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

માળીયામિયાણાના સરવડ ગામે પાક વિમા પ્રશ્ને ખેડૂતો લડી લેવાના મુડમાં: બેઠક યોજી

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયાની આગેવાની હેઠળ ભાવિ રણનિતી ઘડાશે

માળીયા મિંયાણા, તા.૨૩: માળીયામિંયાણા તાલુકાને પાકવિમામાં કુર મજાક સમાન ૩૫ ટકા જેટલો વિમો મળતા આજે સરવડ ગામે યોજાયેલી બેઠકમાં ૪૪ ગામના ખેડૂતોએ સરકાર સામે ઉગ્ર આકોશ વ્યકત કર્યો હતો તેમજ આગામી ૨૬મીએ ખેડૂત હિત રક્ષક સમિતિની બેઠકમાં સરકાર સામે લડત ચલાવવાની રણનીતિ ઘડવાની તૈયારી બતાવી હતી પ્રાપ્ત વિગત મુજબ મોરબી જિલ્લાના સૌથી વધુ અછતગ્રસ્ત માળીયા તાલુકાને સરકારે જાહેર કરેલા પાક વિમામાં મોટો અન્યાય થયો હોય જેથી ખેડૂતો લાલદ્યુમ થઈ ગયા છે.

માળીયાના સરવડ ગામે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચિખલીયાની આગેવાની હેઠળ ખેડુત હિત રક્ષક સમિતિની મળેલી બેઠકમાં ૪૪ ગામના ખેડૂતોએ એક સુરે સરકારની આ અંડાગંડા નીતિને વખોડી કાઢી ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો અને આગામી ૨૬મીએ ખેડૂત હીત રક્ષક સમિતિની બેઠકમાં સરકાર સામે કેવી રીતે લડત ચલાવવી તે અંગેની રણનીતિ ઘડાશે તેવો બેઠકમાં હુંકાર કર્યો હતો.

 માળીયા પંથકમાં ગત વર્ષે નહિવત વરસાદ પડ્યો હતો જેથી માળીયા તાલુકો ઓછા વરસાદને કારણે સુકોભઠ્ઠ રહેતા ખેડૂતો આર્થીક રીતે પાયમાલ થઈ જતા સરકારી તંત્ર સફાળુ જાગી તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતો પરંતુ તાજેતરમાં સરકારે પાકવિમાના જાહેર કરેલા આંકડામાં માળીયા તાલુકાને માત્ર ૩૫ ટકા જેટલો પાકવીમો મળ્યો છે જેથી માળીયા તાલુકાને સરકારે હળાહળ અન્યાય કરીને કુર મજાક કરી હોવાની ખેડુતોમાં રાવ ઉઠવા પામી છે સમગ્ર તાલુકામાં મોટાપાયે પાકવિમામાં અન્યાય થવાથી આ તાલુકાના ખેડૂતોમાં સરકાર સામે ઉગ્ર રોષ ભભુકી ઉઠ્યો છે ત્યારે આ પાક વિમામાં થયેલા અન્યાય સામે આજે ખેડૂતોએ લડી લેવાના મૂડમાં મીટીંગ યોજી હતી જે માળીયાના સરવડ ગામે જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયાની આગેવાનીમાં માળીયા તાલુકાના ૪૪ ગામના સરપંચો આગેવાનો જુદી જુદી મંડળીઓના હોદેદારો સહિત મોટી સંખ્યામાં ખેડૂતોની મીટીંગ મળી હતી. આ તકે ઉપસ્થિત ખેડુત અગ્રણી સરપંચ એસોસિએશન પ્રમુખ કુલદીપસિંહ જાડેજા અને જીવરાજભાઈ કાવર તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચિખલીયા સહીત ખેડુતોએ પોતાના મંતવ્યો રજુ કરી ખેડુતોને થતા અન્યાય સામે સરકારના કાન ભંભોળવા બેઠક મળી હતી જેમા ગતવર્ષે ઓછો વરસાદ પડ્યો હોય ખેડૂતોનો પાક નિષ્ફળ જતા જિલ્લા કલેકટર અને ડીડીઓ સહિતનાની હાજરીમાં ક્રોપ કટીંગ કરાવ્યું હતુ બાદમાં સરકારે માળીયા તાલુકાને એ આંકડાને આધારે અછતગ્રસ્ત જાહેર કર્યો હતો જોકે માળીયા તાલુકાની ગંભીર સ્થિતિ જોતા ૧૦૦ ટકાનો પાકવીમો મળવો જોઈએ એના બદલે સરકારે માત્ર ૩૫ટકા પાક વીમો જાહેર કરીને ખેડૂતોની કુર મશ્કરી કરી સરકારે પાકવિમામાં કરેલા અન્યાય સામે ખેડુતો દ્વારા લડત ચલાવવામાં આવશે અને કેવી રીતે સરકાર સામે લડત ચલાવવી તેની રણનીતિ ઘડવા આગામી ૨૬મીએ માળીયાના ખેડૂત હીત રક્ષક સમિતિની બેઠક મળશે જેમાં જે નિર્ણય લેવાશે તે પ્રમાણે જ માળીયાના તમામ ખેડૂતો પોતાના હક્ક માટે સરકાર સમક્ષ લડત ચલાવશે.

(12:07 pm IST)