Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

લોકસભા સમાન્યનું ચૂંટણી અંતર્ગત

દ્વારકામાં સ્વીપ કોર કમીટીની બેઠકમાં સમીક્ષા કરતા કલેકટર

દેવભૂમિ દ્વારકા, તા.૨૩: ગુજરાતમાં લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯નું મતદાન તા.૨૩/૦૪/૨૦૧૯ના રોજ યોજાનાર છે. જે અંતર્ગત જિલ્લામાં દિવ્યાંગ મતદારો માટે મતદાન કરવા સબંધિત સવલતો પુરી પાડવા તેમજ જિલ્લામાં સમાવિષ્ટ બન્ને મતદાર વિભાગોમાં આગામી ચુંટણીમાં મતદાનની ટકાવારી વધે, મહિલાઓમાં વિશેષ જાગૃતિ આવે તેમજ ઓછું વોટીંગ થયેલ બુથો પર મતદાન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવા માટે આજે કલેકટર કચેરી સભાખંડમાં કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને સ્વીપ કોર કમિટીના નોડલ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી.

કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે વધુમાં વધુ લોકો મતદાન કરે તેવો ઉદેશ સ્વીપનો રહેલો છે. તેમણે ગત લોકસભા સામાન્ય ચુંટણીમાં જિલ્લામાં ૫૦ ટકા કરતા ઓછું મતદાન થયેલ બુથોની માહિતી આપી આવા બુથો પર મતદાન જાગૃતિના ખાસ કાર્યક્રમો યોજવા જણાવ્યું હતું તેમજ જયાં મહિલા મતદારોનું ઓછું વોટીંગ થયેલ હોય તેવા બુથો પર પણ કાર્યક્રમો કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત મમતા દિવસ, સ્કુલોમાં વાલી મીટીંગ વગેરેમાં મહિલાઓમાં મતદાન પ્રત્યે વધારે જાગૃતિ આવે તે માટે પ્રેરીત કરવા જણાવ્યું હતું. કલેકટરશ્રીએ પ્રાંત અધિકારીશ્રીઓને જીલ્લામાં ઓછું મતદાન થયેલા બુથની મુલાકાત લઇ મતદાન ઓછું થવાના કારણો જાણવા જણાવ્યું હતું.

આ બેઠકમાં નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી ઉંઘાડે ''૨૩મી એપ્રિલે વોટ કરશે ગુજરાતના સ્લોગનને હાઇલાઇટ કરવા માટે દરેક સરકારી કચેરીના કાગળોમાં આ મેસેજ કન્વે થાય, દરેક બેંકના એટીએમ, બસ સ્ટેન્ડ, સરકારી બસો, નગરપાલિકાના વાહનો પર તેમજ જાહેર સ્થળોએ આ સ્લોગનના સ્ટીકરો લગાવવાની વ્યવસ્થા કરવા તેમજ મતદાન અંગેના પેમ્પલેટ વિતરણ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ ઉપરાંત ગેસ સીલીન્ડર પર મતદાન જાગૃતિના સ્ટીકર લગાવવા માટેની વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી રોહન આનંદ, ડીઆરડીએના નિયામકશ્રી વાઘેલા, પ્રાંત અધિકારીશ્રી જોશી, શ્રી વિઠલાણી તેમજ જિલ્લાની સ્વીપ કોર કમીટીના નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.(૨૨.૨)

(12:05 pm IST)