Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

નખત્રાણા હિન્દુ ધર્મસભા- MLA-MP ની સ્પષ્ટતા બાદ હવે જવાબદાર વિરુદ્ઘ કાર્યવાહી કરવા કચ્છના મુસ્લિમ સમાજ દ્વારા ધરણાની ચીમકી

ભુજ, તા.૨૩: અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા તા/૨૦/૩/૧૯ના નખત્રાણા ડીવાયએસપીને એક લેખિત આવેદન પત્ર આપવામાં આવ્યું છે. સમિતિના પ્રમુખ ઇબ્રાહિમ હાલેપોત્રાની સહી સાથે અપાયેલ અખબારી યાદી સાથેના આ આવેદનપત્ર માં ગત તા/૩/૩/૧૯ ના નખત્રાણા માં આયોજિત હિન્દુ ધર્મસભા મામલે તા/૭/૩/૧૯ ના રોજે હાજી અનવર ચાકી દ્વારા નખત્રાણા પોલીસમાં કરાયેલ એફઆઈઆર ના મુદ્દે જવાબદાર વિરુદ્ઘ કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. આવેદનપત્ર માં આ ધર્મસભાની અંદર થયેલા ભડકાઉ ભાષણો દ્વારા કચ્છની કોમી એકતાને તોડવાની કોશિશને વખોડી કાઢવામાં આવી છે.

આ ભાષણોના કારણે મુસ્લિમ સમાજમાં આક્રોશ હોવાનું જણાવીને કચ્છભરના ૪૦ જેટલા મુસ્લિમ આગેવાનોની સહી સાથે પોલીસને કાયદેસર કાર્યવાહી કરવા જણાવાયું છે, જો કંઈ કાર્યવાહી નહીં કરાય તો નખત્રાણા ડીવાયએસપી કચેરી સામે કચ્છભરના મુસ્લિમો દ્વારા ધરણાં કરવાની ચીમકી અપાઈ છે.

દરમ્યાન અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ ના પ્રમુખ ઇબ્રાહિમ હાલેપોત્રાએ ૩/૩ ના યોજાયેલ નખત્રાણા ની આ હિન્દુ ધર્મસભા માં ઉપસ્થિત MLA પ્રદ્યુમ્નસિંહ જાડેજા અને MP વિનોદ ચાવડા નો પશ્ચિમ કચ્છના નખત્રાણા, લખપત અને અબડાસાના મુસ્લિમ સમાજ દ્વારા કરાયેલ બહિષ્કારના મામલે 'અકિલા' સમક્ષ વાત કરી આ બહિષ્કાર હવે ઉઠાવી લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ મામલે અખિલ કચ્છ સુન્ની હિતરક્ષક સમિતિ ના નેજા હેઠળ તા/૧૯/૩ ના મંગળવારે નખત્રાણા મધ્યે એક બેઠક યોજાઇ હતી.

જેમાં કચ્છ મુસ્લિમ સમાજના ઇબ્રાહિમ હાલેપોત્રા, આદમ ચાકી (ભુજ), સલીમ જત (મુન્દ્રા), પૂર્વ ધારાસભ્ય ઈબ્રાહીમ મંધરા સહિત કચ્છના મુસ્લિમ સમાજના અન્ય આગેવાનો, અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં MLA પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ અને MP વિનોદ ચાવડા વતી જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વસંત વાઘેલા અને નખત્રાણા ભાજપના રાજેશ પલણ હાજર રહીને આ ઉશ્કેરણીજનક ભાષણને દુઃખદ ગણાવ્યું હતું.

કચ્છની કોમી એકતા ટકી રહે તેવા તેમના પ્રયત્નો હોવાની સ્પષ્ટતા કરી હતી. MLA અને MP વતી કરાયેલ સ્પષ્ટતાને પગલે ગેરસમજણ દૂર થતાં અબડાસા, લખપત અને નખત્રાણા મુસ્લિમ સમાજ દ્વારા કરાયેલો તેમનો બહિષ્કાર પાછો ખેંચાયો હોવાનું મુસ્લિમ સમાજ વતી ઇબ્રાહિમ હાલેપોત્રાએ જણાવ્યું હતું.

(12:00 pm IST)