Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ગારીયાધાર પંથકમાં હોળી-ધૂળેટી પર્વની આનંદ, આસ્થા,ઉમંગ ભેર ઉજવણી

ધૂળેટીના દિવસે નાના-મોટા સૌ કોઇ રંગો લગાવી આનંદ માણ્યો વિરડી જગતપીરે હજારોની માનવ ભીડ ઉમટી પડી...

ગારીયાધાર તા.ર૩: ગારીયાધાર પંથકમાં દર વર્ષની જેમ હોળી-ધૂળેટી પર્વની બાળકો-મહિલાઓ- યુવાનો અને વડીલો દ્વારા આનંદ-આસ્થા અને શ્રધ્ધાથી ત્યોહારની ઉજવણી કરતા હર્ષભેર જોવા મળ્યા હતા.

ગારીયાધાર શહેરમાં હોળીના દિવસે ગૌદરે, વાલ્મિકી વાસ, શકિત પ્લોટ અને વણકર વાસ સહિતના અલગ-અલગ વિસ્તારોમાં તેમજ પંથક તમામ ગામડાઓમાં હોલીકાદહનના કાર્યક્રમ યોજાયા હતા. જેમાં ખજૂર-દાળીયાના પ્રસાદોથી ઉજવણી કરાઇ હતી. આ વર્ષમાં પરણીને નવવધુ સાથે યુગલો હોલીકાના દર્શન કરાવ્યા હતા.

જયારે ધૂળેટીના પાવન પ્રસંગે વિરડી ગામે જગતપીરના દર્શને માનવ મહેરામણ ઉમટી પડયો હતો. જયાં શ્રધ્ધાળુઓ દ્વારા જગતપીરની ટેક અને માનતા ઉતારવા માટે હજારો કિલો ખજૂર ચડાવાયો હતો. જેમાં ગારીયાધાર પંથક ઉપરાંત જેસર, સા.કુંડલા, દામનગર અને પાલીતાણા સહિતના લોકો પીરના દર્શને પહોંચ્યા હતા. જયાં આગળ મેળા સ્વરૂપે ઉમટી પડેલો માનવ મહેરામણ ઠંડા પીણા, સરબતો સહિત નાના-મોટા નાસ્તાના સ્ટોલો સાથે આનંદ-કિલ્લોલ સાથે જોવા મળ્યા હતા.

બપોર બાદ સમગ્ર શહેરમાં નાના-મોટા વેપારી-નોકરીયાત સહિત તમામ નગરજનો એક-બીજાને ગુલાલ-કંકુ સહિતના રંગોથી રોળીને આનં ઉઠાવ્યો હતો. સૌ એકબીજાને ધૂળેટીનાં રંગે રંગાવા અને રંગવા માટે આતુર નગરજનોએ ભારે હર્ષોલ્લાસ સાથે ધૂળેટીના પર્વને માણ્યો હતો.

આમ, હોળી-ધૂળેટી પર્વની સમગ્ર શહેર-પંથકની જનતાએ આનંદભેર ઉજવણી કરવામાં આવી હતી.

(10:03 am IST)