Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

બોટાદ જિલ્લાના ગઢડાની યુવતિને પ્રેમી સાથે કુવામાં ઉતરતા ગંભીર ઇજા પહોંચી હતીઃ અપહરણ થયાની વાત નાટક

બોટાદઃ બોટાદ જિલ્લાના ગઢડા પંથકની એક યુવતિ ગંભીર હાલતમાં મળી આવતા તેને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાઇ છે. આ પ્રકરણમાં નવો ખુલાસો થયો છે. જેમાં પ્રેમી સાથે કુવામાં ઉતરતા તેને ગંભીર ઇજા થયાનું ખુલ્યુ છે. આ પહેલા યુવતિનું અપહરણ થયાની વાત બહાર આવી હતી.

ગઢડા નજીકના માધવધાર ગામમાં રહેતી 21 વર્ષની યુવતી વિલાસ વાઘેલાને ગુરુવારે ગંભીર હાલતમાં અમદાવાદની વીએસ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. મશીનમાં વાળ આવી જવાથી તેની ખોપરી ઉપરની આખી ચામડી ઉતરી ગઈ છે, અને તેનો એક અંગૂઠો તેમજ કાન પણ કપાઈ ગયા છે. ઘટના બની ત્યારે તેણે 108ની ટીમને કહ્યું હતું કે, તેને એક્સિડન્ટ થયો છે.

જોકે, જ્યારે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તેને લઈ જવાઈ ત્યારે તેણે જણાવ્યું હતું કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ તેને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી. જોકે, બોટાદ પોલીસે સોશિયલ મીડિયામાં વાયરલ બનેલી ઘટનાની તપાસ કરતા તેમાં એક નવી વાત જાણવા મળી હતી. પોલીસે જણાવ્યું હતું કે, પોતાનું પ્રેમ પ્રકરણ છૂપાવવા સમગ્ર કહાની ઘડી કાઢી હતી.

બોટાદ જિલ્લાના પોલીસ વડા સંજયસિંહ પરમારે જણાવ્યું હતું કે, બોટાદ-ગઢડા રોડ પર આવેલ એક ગામે યુવતી પોતાના પ્રેમીને મળી હતી. તેનો પ્રેમી બોર અને કૂવાને ઉંડા કરવા માટે વપરાતું ડ્રિલિંગ મશીન ઓપરેટ કરવાનું કામ કરે છે. યુવતી જીદ કરીને પ્રેમી સાથે ડ્રિલિંગ મશીન જોવા કૂવામાં ઉતરી હતી, પરંતુ દરમિયાન તેના વાળ ડ્રિલિંગ મશીનના બેલ્ટમાં ફસાઈ ગયા હતા.

યુવતીએ મશીનમાં ફસાયેલા પોતાના વાળ છોડાવવા માટે પ્રયાસ કર્યા હતા, અને તેમાં તેનો અંગૂઠો પણ કપાઈ ગયો હતો, અને તેનો કાન પણ મશીનમાં આવવાથી કપાઈ ગયો હતો. મશીન ચાલુ હોવાથી તેના વાળ એટલા જોરથી ખેંચાયા હતા કે તેના માથાની ચામડી ઉખડી ગઈ હતી, અને તેની ખોપડી બહાર આવી ગઈ હતી.

ઘટના બનતા તેના પ્રેમીએ તાત્કાલિક 108ને ફોન કર્યો હતો, અને તેને બાઈક પર ગઢડા લઈ ગયો હતો. રસ્તામાં યુવતીએ પ્રેમીને કહ્યું હતું કે, તેમને એક્સિડન્ટ થયો છે તેવું બધાને કહેવું, કારણકે તેના ઘરમાં તેના પ્રેમ પ્રકરણ વિશે કોઈને ખબર નથી. તેને જ્યારે વીએસ હોસ્પિટલમાં લવાઈ ત્યારે પણ તેણે જણાવ્યું હતું કે, તે કોલેજ જઈ રહી હતી ત્યારે ચાર લોકો તેને કારમાં ઉઠાવી ગયા હતા, અને તેની સોનની ચેન લૂંટી તેના પર હુમલો કર્યો હતો.

યુવતીએ પોતાના અપહરણની ફરિયાદ કરતા પોલીસે આરોપીઓની શોધખોળ શરુ કરી હતી. જોકે, 108ના સ્ટાફ તેમજ ભાવનગરની સર ટી હોસ્પિટલના ડોક્ટરો સાથે વાત કર્યા બાદ પોલીસને શંકા પડી હતી કે યુવતી હકીકત નથી જણાવી રહી. કારણકે, તેમને યુવતીએ કહ્યું હતું કે, તેનો એક્સિડન્ટ થયો છે.

ત્યારબાદ પોલીસે યુવતીના પ્રેમી યોગેશ વાઘેલાને પૂછપરછ માટે બોલાવ્યો હતો. પોલીસે આકરી પૂછપરછ કરતા યોગેશે સમગ્ર હકીકત જણાવી હતી. હાલ યુવતીની વીએસના ટ્રોમા સેન્ટરમાં સારવાર ચાલી રહી છે, અને ડોક્ટરોના જણાવ્યા અનુસાર, તેની હાલત ખૂબ ગંભીર છે.

મેજિસ્ટ્રેટ સમક્ષ યુવતીએ આજે નિવેદન નોંધાવ્યું હતું. જેમાં તે પોલીસ સમક્ષ કરવામાં આવેલી ફરિયાદને વળગી રહી છે. યુવતીનું કહેવું છે કે, અજાણ્યા શખ્સો દ્વારા તેનું અપહરણ કરી તેને લૂંટી લેવાઈ હતી અને તેના પર હિંસક હુમલો કરવામાં આવ્યો. બીજી તરફ, પોલીસે જે કૂવામાં યુવતી પોતાના પ્રેમી સાથે ઉતરી હતી ત્યાં પણ તપાસ કરતા ડ્રિલિંગ મશીનમાં ચોંટેલા યુવતીના વાળ મળી આવ્યા હતા.

(8:04 pm IST)
  • આધાર સાથે સિમને લિંક કરાવતી વખતે એકવારમાં તમારા અંગુઠાનું નિશાન સ્કેન કરાવશો એ તમારા હિતમાં છે. કારણ કે ફરી સ્કેન કરાવવાની સાથે મુશ્કેલી ઉભી થઈ શકે છે. કેટલીક ઘટનાઓ બહાર આવી છે જેમાં કેટલાક લોકો આધાર સાથે સિમને લિંક કરાવતી વખતે કાર્ડધારકના નામે નવું સિમ કાર્ડ બનાવીને તેનો ગુનાઈત પ્રવૃતિમાં પ્રયોગ કરી શકે છે. access_time 1:44 am IST

  • ઉત્તરપ્રદેશનાં સમાજવાદી પાર્ટીનાં ઉમેદવાર જયા બચ્ચનનો ૩૬ મતે વિજય access_time 10:00 pm IST

  • બ્રિટનના કલ્ચરલ અને ડિજીટલ સેક્રેટરી મેટ હેન્કોકે ફેસબુકને ચેતવણી આપી છે. કલ્ચર સેક્રેટરીના જણાવ્યા અનુસાર, જો આગામી દિવસોમાં ફેસબુક પોતાના ડેટા સુરક્ષા માટેના નિયમોને વધુ કડક બનાવશે અને તેનું પાલન નહીં કરો તો તેના પર 91.97 અબજથી વધુનો દંડ લાગશે. હેન્કોકે સોશિયલ મીડિયા ફર્મ્સમાં થયેલી ડેટા ચોરી મામલે પ્લાન તૈયાર કર્યો છે. access_time 2:27 am IST