Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

કલ્યાણપુરના ગઢડાના દુષ્કર્મ મામલે આરોપીને ધરપકડ નહીં કરાય તો ઉપવાસઃ પીડિતાનો એસપીને પત્ર

ખંભાળીયા તા. ૨૩ : કલ્યાણપુર તાલુકાના ગઢડા ગામની એક યુવતી સાથે તેના કૌટુંબિક મામાએ છ દિવસ પૂર્વે દુષ્કર્મ આચર્યું હતું. જે દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ જીલ્લા એસપીને લેખિત આવેદન પાઠવી ન્યાયની માંગ કરી છે. આવેદનમાં જણાવ્યું છે કે ૧૯ વર્ષની યુવતીને અકસ્માતને પગલે પગમાં ઈજા હોય જેની સારવાર માટે દવાખાને જવાનું હોય અને તેના પિતા પણ ઈજાગ્રસ્ત હોય જેથી કૌટુંબિક મામા ભીમા રામ મધુડીયા રહે. સિદસરા સીમમાં વાળાએ તેણે મોટરસાયકલ પર દવાખાને લઇ જવાનું કહેતા યુવતીના પરિવાર સહમતી આપી હતી. જોકે દવાખાને લઇ જતી વેળાએ આ કૌટુંબિક મામાની નિયત બગડી હતી અને ભીમા મધુડીયા નામના શખ્શે રસ્તામાં સીમમાં અવાવરૂ જગ્યાએ લઇ જઈને દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ રાડારાડ કરતા એક સતવારા ભાઈ ત્યાં આવી જતા આરોપી બાઈક મૂકી નાસી ગયો હતો. જે મામલે પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ કરી હતી. જોકે પોલીસે દુષ્કર્મને બદલે દુષ્કર્મની કોશિશ એવું ફરિયાદમાં લખ્યું છે.

વધુમાં યુવતીએ એસપીને પાઠવેલા આવેદનમાં આપવીતી વર્ણવી છે કે આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં નહિ આવે તો આરોપી અને તેના કુટુંબીજનો મારી નાખે તેમ છે. જેથી આરોપીની તાત્કાલિક ધરપકડ કરો અને ધરપકડ કરવામાં નહિ આવે તો નાછૂટકે એસપી કચેરી સમક્ષ ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે. તેમજ આરોપીની ધરપકડ ના થાય ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત આપવાની પણ માંગ કરવામાં આવી છે.

(1:18 pm IST)