Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

સંતોના આશિર્વાદથી ગુજરાત અડીખમઃ વિજયભાઈ રૂપાણી

ગોંડલમાં પૂ. હરિચરણદાસજી મહારાજના જન્મોત્સવની ભવ્યતાથી ઉજવણીઃ પૂજન, અર્ચન સહિતના કાર્યક્રમોઃ દેશ-વિદેશથી ભાવિકો ઉમટયાઃ ૧૧૦૦૦ ભૂદેવો માટે બ્રહ્મચોર્યાસી યોજાઈ

ગોંડલઃ પૂ. હરિચરણદાસજી મહારાજના જન્મોત્સવ પ્રસંગે આજે દેશ-વિદેશથી ભાવિકો ઉમટયા છે અને દર્શન, પૂજન, આશિર્વાદનો લાભ લઇ રહ્યા છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

 

ગોંડલ તા. ૨૩ :. ગોંડલમાં પૂ. હરિચરણદાસજી મહારાજનો આજે જન્મોત્સવ ગોંડલમાં ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે. આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સહિતનાની ઉપસ્થિતિમાં શ્રી રામ હોસ્પિટલ ખાતે વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આજે પૂ. હરિચરણદાસજી મહારાજના જન્મોત્સવ નિમિતે વહેલી સવારથી ભાવિકો પૂ. હરિચરણદાસજી મહારાજના આશિર્વાદ માટે ઉમટયા છે અને પૂજન, અર્ચન સહિતના કાર્યક્રમો યોજાયા છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા છે.

પૂ. ગુરૂદેવ સ્વામીશ્રી હરિચણદાસજી મહારાજના ૯૬મા પ્રાગટય દિવસે બ્રહ્મ ચોર્યાસી યોજાઇ છે. જેમાં રાજયના મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ હાજર રહીને સદ્ગુરૂદેવના જન્મ દિવસે શુભેચ્છા આપીને આર્શિવચન પ્રાપ્ત કર્યા હતા.

આ તકે ગોંડલ શહેર અને તાલુકાના આશરે ૧૧ હજાર બ્રાહ્મણોએ ભોજન પ્રસાદ લીધો હતો. શ્રી વિજયભાઇ રૂપાણીને બ્રાહ્મણોએ મંત્રોચ્ચારથી આશિર્વચન પાઠવ્યા હતા.

આ તકે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આંખ વિભાગના નવનિર્માણનું ભૂમિપૂજન, આંખ વિભાગ (યાગ લેસર) અને સોનોગ્રાફીના મશીનનું લોકાર્પણ, નવા સ્ટાફ કવાર્ટસનું ભૂમિપૂજન, પૂજય 'માં સ્વામી  સાથેના મારા આત્માનુભાવો' પુસ્તીકાનું વિમોચન (અજયભાઇ શેઠ) કરાશે. અને પૂ. સદ્ગુરૂ દેવની પ્રેરણાથી શાળા ભવનના નવ નિર્માણની જાહેરાત કરાઈ હતી.

આ તકે વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, આજે મને પૂ. હરિચરણદાસજી બાપુના જન્મોત્સવ પ્રસંગે આશિર્વાદ લેવાનો અવસર પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત મને એક સાથે હજારો બ્રાહ્મણોના દર્શન અને આશિર્વાદ પ્રાપ્ત થયા છે. શ્રી રામ હોસ્પીટલ દ્વારા લોકોપયોગી કાર્યો અને હોસ્પીટલના માધ્યમથી દર્દીઓને વિવિધ સુવિધા આપવામાં આવી રહી છે જે સરાહનીય કાર્ય છે જેને હું આવકારૂ છું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યુ કે, પૂ. હરિચરણદાસજી મહારાજ ેજેવા સંતોના આશિર્વાદ ગુજરાતને સતત મળતા રહે છે અને તેના કારણે ગુજરાત અડીખમ ઉભુ છે.

આ તકે શ્રી શ્રી ૧૦૦૮ જગતગુરૂ શ્રી રામાધારાચાર્યજી મહારાજ ઘનશ્યામ ભુવન, હરિદ્વાર ભૂપતવાલા, પૂ. રઘુરામબાપા ગાદીપતિ વિરપુર પૂ. જલારામ મંદિર, પૂ. રાધવાચાર્યજી મહારાજ રેવાસા પીઠાધીશ, પૂ. ઘનશ્યામજી મહારાજ, શ્રી ભુવનેશ્વરી પીઠ ઉપસ્થિત રહ્યા છે.

ઉપરાંત ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, રાજકોટ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ રઘુવંશી અગ્રણી અને હોટલ ફર્નવાળા નિતીનભાઈ રાયચુરા, પાલિકા પ્રમુખ મનીષાબેન બટુકભાઇ સાવલીયા, અજયભાઇ શેઠ (કવેસ્ટ ફાઉન્ડેશન-મુંબઇ), ચેતનભાઇ વિનોદરાય ચગ, (સોમીકા-આફ્રિકા), અશ્વિનભાઇ (ધરમશીભાઇ નેણસી ટોપ રાણી) મસ્કત, જેન્તીભાઇ ઢોલ, રમેશભાઇ ઘડુક, યતિષભાઇ દેસાઇ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

પૂજય હરિચરણદાસજી મહારાજનો જન્મ બિહારનાં ચંપારણ્ય જિલ્લામાં એક બ્રાહ્મણ કુળમાં થયો હતો. કહેવાય છે કે પુત્રનાં લક્ષણ પારણાંમાં એમ શ્રી ગુરુદેવને નાનપણથી જ સંસાર પ્રત્યે માયા ન હોવાથી ગૃહત્યાગ ખૂબ નાની વયે જ કર્યો હતો, ૧૯૪૬માં પ્રયાગરાજ ગંગાકિનારે તેમણે નિશ્યય કર્યો કે અહિયાં જે ગુરુ મળશે તેમની પાસેથી દિક્ષા લઈશ ત્રણ દિવસના ઉપવાસ પછી ઝાલર ટાણે એક સંત જે ગુરુદેવ રણછોડદાસજી જેવા જ દેખાતા હતા તેમણે દિક્ષા આપી અને અયોધ્યામાં રામ ઘાટ પર ભજન કરવા આદેશ આપ્યો હતો.

ઘણો લાંબો સમય જાનકી કુંડ તથા ચિત્રકૂટમાં વિતાવ્યા બાદ ૧૯૫૪ માં ગુરુદેવ ગોંડલ આવ્યા અને પૂજયો રણછોડદાસજી બાપુ ના આદેશથી રામ મંદિરની ગાદી સંભાળી ત્યારબાદ ગોંડલની ધરા પર સેવાનો અવિરત યજ્ઞ શરૂ થયો, ત્યારથી લઇ આજ સુધી તેમના સેવાયજ્ઞ ની ફોરમ ગોંડલ જ નહીં પરંતુ ગુજરાતના સીમાડા વટાવી ચૂકી છે, ગોરા ખાતે આદિવાસી બાળકો માટે શાળા હરી ધામ આશ્રમ ઋષિકેશ ખાતે અન્નક્ષેત્ર અને સ્વાસ્થ્ય શિબિરો ખાતે જલારામ અન્નક્ષેત્ર માનવ કાપદરા રાજકોટ બનારસ કર્ણપ્રયાગ ઇત્યાદિ આશ્રમો સાથે આ સેવાયજ્ઞ પરમ આવતી સમાન શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ જેવી અનેક પ્રવૃત્ત્િ।ઓ દ્વારા શ્રી હરિચરણદાસજી મહારાજ સંતો નો સ્વભાવ છે કેવો જનેતા ની ગોદ ના જેવો ભગતબાપા રચિત આ પંકિતઓને સાર્થક કરતા રહ્યાં છે.

પૂજય હરિચરણદાસજી મહારાજની અધ્યક્ષતામાં ચાલતી સંસ્થાઓમાંની શ્રી સદગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલમાં અલગ-અલગ વિભાગો માનવજાતિની સેવા માટે કાર્યરત છે જેમાં દર્દીઓને અનેકવિધ સુવિધાઓ આપવામાં આવી રહી છે, આંખનાં મોતિયાનું ઓપરેશન લેન્સ સાથે તદ્દન ફ્રી, જનરલ સર્જરી વિભાગમાં એપેન્ડિકસ સારણગાંઠ પ્રોસ્ટેટ ગ્રંથિ પથરી તેમજ શરીરમાં નાની મોટી ગાંઠ ના ઓપરેશન તદ્દન ફ્રી,  સ્ત્રીરોગ વિભાગમાં નોર્મલ ડિલિવરી દવાઓ સાથે  સ્ત્રી રોગને લગતા ઓપરેશન તદ્દન ફ્રી, દરેક પ્રસૂતાને શુદ્ઘ ઘી તથા ડ્રાય ફ્રુટ સાથે એક કિલો કાટલુ તેમજ નવજાત શિશુ માટે બેબી કીટ મચ્છરદાની આપવામાં આવે છે, બાળકોના વિભાગમાં ઁજ્ઞ્ણૂ યુનો કોઇ ચાર્જ લેવાતો નથી, હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દી તથા તેના સગા વ્હાલાઓ બંને ટાઈમ નિઃશુલ્ક ભોજન પ્રસાદ વ્યવસ્થા, જરૂરીયાત મંદ દર્દીઓ માટે રાહતની વિશેષ જોગવાઈ, આ હોસ્પીટલમાં અત્યાર સુધીમાં ૧૫ લાખથી વધારે ઓ.પી.ડી એક લાખથી વધુ દાખલ દર્દીઓ અને નવ લાખથી વધુ લોકો નિ શુલ્ક ભોજન-પ્રસાદની સેવા લઈ ચૂકયા છે તેમજ આંખનાં ૪૭ હજારથી વધારે નેત્રમણી ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા છે.

ગોંડલના રામજીમંદીરે રામનવમી ગુરુપૂર્ણિમા આસો નવરાત્રિ દિવાળી ચોપડાપૂજન લક્ષ્મીપૂજન અન્નકોટ જેવા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો દબદબાભેર ઉજવવામાં આવી રહ્યા છે

પૂજય હરિચરણદાસજી મહારાજ દ્વારા ગોંડલ ખાતે રામજી મંદિર વાંકાનેર ખાતે સદ્દગુરૂ આનંદ આશ્રમ વડોદરા ખાતે ટ્રસ્ટ, ગોતા ખાતે હરી ધામ આશ્રમ, અયોધ્યા ખાતે અભય દાશા હનુમાનજી મંદિર, બનારસ ખાતે સીતારામ આશ્રમ, ઇન્દૌર ખાતે દાસં મહારાજ, રૂષિકેશ ખાતે મનોકામનાં હનુમાનજી મંદિર, રાજકોટ ખાતે બાલા હનુમાનજી મંદિર અને પાંડુ કેશ ખાતે જલારામ અન્નક્ષેત્ર જેવા અનેકવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે.(૨-૨૧)

(4:06 pm IST)