Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

'ડાકની દાંડી'એ ગવાશે ગુણગાન... દેવચડીમાં કાલે મેલડી માનો નવરંગો માંડવો

વિસપરા (પ્રજાપતિ) પરિવારના સુરાપુરા દાદા લક્ષ્મણબાપાના ૪૩માં વાર્ષિક તિથિ ઉત્સવ પ્રસંગે હરખના તેડાઃ સવારે શુભમુહુર્તે થાંભલી રોપાયા બાદ માતાજીના સામૈયા, મહાપ્રસાદ સહિતના ધર્મભીના કાર્યક્રમોઃ રવિવારે સવારે વધાવાશે થાંભલી

રાજકોટ તા.૨૩: ચૈત્ર મહિનાની શુભ શરૂઆત થતાની સાથે જ જગતજનની જગદંબા નવદુર્ગા માતાજીની ઉપાસના-આરાધના અમૂલ્ય અવસરસમા નવલા નોરતાનો પ્રારંભ થાય થાય છે... જેમાં સતત ૯ દિવસ સુધી તમામ દૈવી મંદિરોમાં વિવિધ ધર્મભીના કાર્યક્રમો સાથે ગગનભેદી જયજયકાર ગૂંજી રહ્યા હોવાથી સમગ્ર વાતાવરણ પણ ધર્મની ચાદર ઓઢી લેતું હોય છે... ચૈત્ર માસમાં માતાજીના ગુણગાન ગાવાની ઉમદા આસ્થા ભાવના સાથે ઠેર-ઠેર નવરંગા માંડવાના પણ આયોજનો થતા રહે છે એવી જરીતે ગોંડલના દેવચડી ગામે પણ આવતીકાલે સવારે શુભમુહુર્તે થાંભલી રોપાયા બાદ સતત ૨૪ કલાક શ્રી મેલડી માતાજીના નવરંગા માડવામાં ડાકની દાડીએ ભુવાશ્રીઓ દ્વારા માતાજીના ગુણગાન ગવાશે.

દેવચડી ગામે (જૂના ટીંબે) વિસપરા (પ્રજાપતિ) પરિવારના સુરાપુરા શ્રી લક્ષ્મણબાપાની ખાંભીએ ૪૩મા વાર્ષિક તિથિ ઉત્સવની ઉજવણી નિમિતે મનોજભાઇ મારડીયા (મો.૯૮૨૫૭ ૫૪૦૪૦) દ્વારા યોજાનાર 'હરખના તેડા'માં આવતીકાલે સવારે ૮:૧૫ વાગ્યે શુભમુહુર્તે થાંભલી રોપાયા બાદ ૯-૩૦ વાગ્યે માતાજીના સામૈયા, ૯-૧૫ કલાકે બટુક ભોજન તેમજ બપોરે ૧૨-૧૫ થી સાંજ સુધી મહાપ્રસાદનું આયોજન કરાયું છે.શ્રી મેલડી માતાજીના નવરંગા માંડવાની શુભ શરૂઆત થયા બાદ આખો દિવસ અને આખી રાત એમ સતત ૨૪ કલાક માતાજીના ગુણગાન ગવાતા રહેશે...જેમાં ધર્મેશભાઇ બાબુભાઇ રાવળ (રાજકોટ)ની ડાકની દાંડીએ અને માતાજીના ગવાતા ભેળીયાના સંગે  વિસપરા પરિવારના કરના ભુવા વિઠ્ઠલભાઇ ઠાકરશીભાઇ વિસપરા (દેવચડી), પઢિયાર ભુવા ભીખુભાઇ ઠાકરશીભાઇ વિસપરા (દેવચડી), કલમના ભુવા રાજેશભાઇ દામજીભાઇ વિસપરા (જુવારા માતાજી) અને પઢિયાર ભુવા જયસુખભાઇ ગીરધરભાઇ વિસપરા (જુવારા માતાજી) માતાજીના ગુણગાન ગાશે.સાથે સાથે દેવચડી ગામના અને આમંત્રિત બહાર ગામના ભુવાશ્રીઓ પણ માતાજીની સાનિધ્યમાં બિરાજી 'વેલા-વધાવા' સાથે માતાજીની ભકિત કરી ગુણગાન ગાવાના છે રાવળદેવની ડાકની દાંડીએ ગવાતા માતાજીના ગુણગાન સાથે ભુવાશ્રીઓ દ્વારા વેણ-વધાવે થતી માતાજીની ભકિતના દિવ્ય દર્શન કરવા લ્હાવારૂપ છે... દિવ્યોત્સવ પર્વને સફળ બનાવવા આયોજક મનોજભાઇ મારડીયાના માર્ગદર્શન તળે વિઠ્ઠલભાઇ ઠાકરશીભાઇ વિસપરા, ભીખુભાઇ ઠાકરશીભાઇ વિસપરા, ગીરીશભાઇ રાવજીભાઇ મારડીયા, રાજેશભાઇ રવજીભાઇ મારડીયા, રોહિતભાઇ રતીભાઇ મારડીયા સહિત વિસપરા, મારડીયા પરિવારના તમામ સભ્યો જહેમતશીલ છે.

અત્રે નોંધનીય છે કે, આવતીકાલે સવારે થાંભલી રોપણ સાથેજ માતાજીની ભકિતનો દિવ્ય અવસર પ્રારંભ થશે, જેમાં સતત ૨૪ કલાક નવરંગો માંડવો વાતાવરણને પવિત્રરૂપ ચાદર ઓઢાડશે. આમંત્રિતો સહિત સહકુટુંબીજનોએ માતાજીને ફુલડે વધાવવાનો લ્હાવો લેતા વિસપરા, મારડીયા પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવાયુ છે.

(12:02 pm IST)