Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

બાયપાસ કઢાશે તો આમરણમાં ર હજાર મકાનોને ખતરો

ચોમાસામાં ડાયમંડનગર અને જુનુ આમરણ પાણીમાં ગરકાવ થઇ જશે : મોટી સંખ્યામાં લોકો વાહનો લઇને રેલી સ્વરૂપે મોરબી કલેકટરને રજૂઆત

રાજકોટ, તા. ર૩ : મોરબી જીલ્લાના આમરણના નીચાણવાળા વિસ્તારોમાંથી હાઇ-વે પસાર થશે તો લોકો માટે અનેક હાલાકી સર્જાશે અને ર૦૦૦ મકાનોને ખતરો છે તેમજ ચોમાસા જુનુ આમરણ અને ડાયમંડનગર પાણીમાં ગરકાવ થઇ જશે. વિરોધમાં મોરબીના ડાયમંડનગરના સરપંચ હિનાબેન કાસુન્દ્રા, ઉપસરપંચ મનસુખભાઇ બોડા તથા આમરણના સરપંચની આગેવાનીમાં આજે મોરબી જીલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવા માટે વાહનો લઇને ગ્રામજનો ઉમટયા હતાં અને વિરોધ પ્રદર્શન કરીને તાકીદે યોગ્ય કરવા માંગણી કરી હતી તેમ આમરણના ગ્રામજનો વતી વિનોદભાઇ કાસુન્દ્રાએ જણાવ્યું હતું.

આ અંગે ગ્રામજનોએ જણાવ્યું છે કે, સરકારશ્રીના જાહેરનામા મુજબ જો ડાયમંડનગર (આમરણ)માંથી બાયપાસ રોડ કાઢવામાં આવે તો ડાયમંડનગર ગામ પાણીમાં ગરકાવ થઇ જશે. ગત વર્ષ ર૦૧૭માં આવેલ વરસાદને કારણે ડાયમંડનગર બસ સ્ટેન્ડ વિસ્તારમાં ૩ ફૂટ પાણી ભરાઇ ગયેલ હતું અને ડાયમંડનગર ગામ સંપર્ક વિહોણુ થઇ ગયેલ હતું જે ભુતકાળની પરિસ્થિતિના સદસ્યો ધારાસભ્ય, સાંસદસભ્યો તેમજ મોરબી જીલ્લા અને તાલુકાના દરેક અધિકારીશ્રીઓને ખબર અને જાણ છે તેમ છતાં જો આ બાયપાસ કાઢવામાં આવશે તો ડાયમંડનગર આખુ ગામ પાણીમાં ગરકાવ થઇ જાય છે. જૂનો કોસ્ટલ હાઇવે આવેલ છે તે હાઇવેને જો ફોર લેન કરવામાં આવે તો ખેડૂતોની જમીન ઓછી સંપાદન થાય છે કારણ કે હાલે જે કોસ્ટલ હાઇવે રોડ આવેલ છે તેની આજુબાજુમાં સરકારી ખરાબા અને ગામતળની ફાજલ જમીનો આવેલી છે જેથી જુનો કોસ્ટલ હાઇવે છે તેને ફોરલેન કરવા ગામ લોકોની માંગણી છે.

સરકારશ્રી દ્વારા આ બાયપાસનો સર્વે કરવામાં આવ્યો ત્યારે ડાયમંડનગર ગ્રામ પંચાયતની સલાહ કે સુચન માંગવામાં આવ્યું નથી અને આ સર્વેના માણસો બહારના હોય જે ડાયમંડનગર ગામની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ ન હોય કે આ બાયપાસ કાઢવાથી ગામને નુકશાન થશે.

ડાયમંડનગર (આમરણ) ગામના ખેડુતોને જાહેરનામા મુજબવાળા સર્વે નંબર વાળી જમીન ફોરલેન રોડમાં સંપાદન કરવાનું જાહેરનામુ બહાર પડેલ હોય જે જાહેરનામા મુજબ ખેડૂતોની જમીન સંપાદન થતી હોય તો તેમાં ઘણા બધા એવા ખેડૂતો છે જેની આ એકમાત્ર જમીન એમના કુટુંબની આજીવિકા છે તો તેવા ખેડૂતો પાયમાલ અને લાચાર થઇ જશે અને તેના બાળકોનું ભવિષ્ય અંધકારમાં છવાય જશે. ડાયમંડનગર ગામના મુખ્યત્વે ખેડૂતો નાના અને મધ્યમવર્ગના ખેડુત હોય આ જમીન સંપાદન થવાથી તેમની કુટુંબની રોજી-રોટી છીનવાઇ જાય છે તો તેના બાળકો અભ્યાસ અને તેના કુટુંબની ભરણ પોષણની જવાબદારી છીનવાઇ જાય છે.  જાહેરનામા મુજબ જે ડાયમંડનગર આમરણ ગામના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવે છે તે ખેડૂતોની બાકી વધતી જમીન બીન ઉપજાવ અને ફાજલ થઇ જાય છે.

ડાયમંડનગર આમરણ ગામના ખેડૂતો આ ઉપજાવ જમીન એકમાત્ર ખરીફ પાકની મોસમ લીએ છીએ અને ફોરલેન રોડ આ તમામ ખેડૂતોની ખેતીની જમીનથી ઉંચો થવાથી તેવા ખેડૂતોની બાકી વધતી જમીનમાં પાણી ભરાતા રહેશે એટલે ખેડૂતો ખરીફ પાક લઇ શકશે નહીં. સરકારશ્રી દ્વારા જે વળતર ચૂકવવામાં આવશે તે વળતર મુજબ ખેડૂતો બીજી જમીન ખરીદ કરી શકશે નહી જેથી ખેડૂતો પાયમાલ થઇ જશે. આશરે ર૦૦૦ મકાનોનું સ્થળાંતર કર્યા પછી જ કાઢવો જો કોઇપણ જાતનો સુધારો કર્યા વગર તેમજ આ બાયપાસ રદ કરી હૈયાત જે રોડ છે ત્યાંજ ફોરલેન બનાવવા ગામ લોકોની માંગ છે. જો આ જાહેરનામા મુજબ બાયપાસ કાઢવામાં આવશે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે.

(11:56 am IST)