Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ખેરવાની સીમમાં નામચીન હર્ષદ મહાજનનો દારૂનો જથ્થો ઝડપાયોઃ વાડી માલિક મોન્ટુ ઝાલાની બંદૂક સાથે ધરપકડ

ક્રાઇમ બ્રાંચે અનિરૂધ્ધસિંહ ઉર્ફ મોન્ટુ ગંભીરસિંહ ઝાલા અને હર્ષદના સાગ્રીત ચંદ્રેશ ઉર્ફ કાળીયાને ૧,૧૨,૩૨૦ના ૨૧૬ બોટલ દારૂ સાથે દબોચ્યાઃ હર્ષદ વિરૂધ્ધ દારૂના અસંખ્ય ગુનાઃ જયસુખભાઇ અને જગમાલભાઇની બાતમી

રાજકોટ તા. ૨૩: સોૈરાષ્ટ્ર ભરમાં બૂટલેગર તરીકે પંકાયેલા નામચીન હર્ષદ મહાજને કુવાડવા-વાંકાનેર રોડ પર ખેરવા ગામની સીમમાં આવેલી દરબાર શખ્સની વાડીમાં ૮૦૦ પેટી જેટલો દારૂનો જથ્થો ઉતાર્યાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાંચ ત્રાટકી હતી. જો કે હર્ષદ મળ્યો નહોતો. તેના સાગ્રીત બ્રાહ્મણ શખ્સ અને વાડી માલિક દરબાર શખ્સને રૂ. ૧,૧૨,૩૨૦ના ૨૧૬ બોટલ દારૂ સાથે ઝડપી લેવાયા હતાં. દરબાર શખ્સ પાસે ગેરકાયદેસર જામગરી બંદૂક હોઇ તે અંગે અલગ ગુનો નોંધાયો છે.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી ઝોન-૧,૨ અને એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાની સુચના અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પી.એસ.આઇ. આર. સી. કાનમીયા, હેડકોન્સ. જયસુખભાઇ હુંબલ, જગમાલભાઇ ખટાણા, કૃપાલસિંહ કે. ઝાલા, મયુરભાઇ પટેલ, કુલદીપસિંહ જાડેજા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે જયસુખભાઇ હુંબલ અને જગમાલભાઇ ખટાણાને મળેલી ચોક્કસ બાતમી મળતાં કુવાડવા-વાંકાનેર રોડ પર ખેરવાની સીમમાં આવેલી ગંભીરસિંહ ચકુભા ઝાલાની વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

વાડીના રૂમમાંથી પોલીસને ૨૧૬ બોટલ દારૂ મળ્યો હતો. આ દારૂ તથા વાડી માલિકના પુત્ર અનિરૂધ્ધસિંહ ઉર્ફ મોન્ટુ ગંભીરસિંહ ઝાલા (ઉ.૨૦-રહે. ખરેવા કલ્પીર દાદાના મંદિર સામે) તથા હર્ષદ મહાજનના સાગ્રીત ચંદ્રેશ ઉર્ફ કાળીયો જગદીશભાઇ ચાંઉ (બ્રાહ્મણ) (ઉ.૩૨-રહે. રાજકોટ હુડકો ચોકડી, રાધેશ્યામ સોસાયટી-૬)ને દારૂના ગુનામાં પકડી લેવાયા હતાં. તપાસ દરમિયાન અનિરૂધ્ધસિંહ ઉર્ફ મોન્ટુ પાસેથી દેશી જામગરી બંદૂક રૂ. પ હજારની મળતાં તે પણ કબ્જે લઇ આ અંગે તેના વિરૂધ્ધ અલગ ગુનો નોંધાયો હતો. તે બંદૂક કયાંથી લાવ્યો? તે અંગે વિશેષ તપાસ હાથ ધરાઇ છે.

(11:35 am IST)