Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

કાલાવડ-ધ્રોલ-જોડિયા પંથકના ખેડૂતોની ટેકાનાં ભાવે મગફળી ખરીદોઃ રોડ મુદ્દે આંદોલનની ચિમકી

એસ.ટી. સહિતના પ્રશ્ને કાલાવડના ધારાસભ્ય પ્રવિણભાઈ મુસડીયાની રજૂઆત

કાલાવડ, તા. ૨૩ :. જામનગર જીલ્લાના કાલાવડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પ્રવિણભાઈ એન. મુસડીયાએ વિવિધ અણઉકેલ પ્રશ્ને લાગતા-વળગતા તંત્ર સમક્ષ રજૂઆત કરીને પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવા માંગણી કરી છે.

પ્રવિણભાઈ મુસડીયાએ કલેકટરશ્રી જામનગરને પત્ર પાઠવીને ટેકાના ભાવે મગફળી ખરીદવા અંગે રજૂઆત કરતા જણાવ્યુ છે કે, કાલાવડ તાલુકા અને ધ્રોલ-જોડીયામાં સરકારશ્રી દ્વારા છેલ્લા પાંચ દિવસથી મગફળી ખરીદ થયેલ હોય, આ દરમ્યાન સરકારશ્રી દ્વારા જે મગફળી ખરીદેલ છે તે પર્યાપ્ત નથી. મારા જાણવા મુજબ હજુ અનેક ખેડૂતોના ઘરમાં મગફળી રહી ગયેલ છે. ખેડૂતો વેચાણ કરવા માગે છે, પરંતુ સરકાર ટેકાના ભાવે નહિવત મગફળી ખરીદેલ છે જે પર્યાપ્ત નથી. બાકી રહી ગયેલ ખેડૂતોની મગફળી ખરીદવા સરકાર ફરીથી ખરીદી ચાલુ કરે અને વ્યવસ્થા જળવાય, દરરોજ જેટલી મગફળી તોલી શકાય એ જ પ્રમાણે ખેડૂતોને બોલાવી મગફળી થાય તેવી ખેડૂતોમાં તીવ્ર માંગ ઉઠી છે. તાત્કાલીક મગફળી ખરીદવા સરકારશ્રી સમક્ષ માંગણી કરીને અન્યથા આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

આ ઉપરાંત રાજકોટ એસ.ટી. ડેપોના ડેપો મેનેજરશ્રીને પત્ર પાઠવીને કાલાવડથી રાજકોટ રૂટ ઉપર એસ.ટી.ની સમસ્યાનું નિરાકરણ લાવવા માંગણી કરતા જણાવ્યુ છે કે, વિદ્યાર્થીઓ ગામડેથી ભણવા શહેરોમાં જાય છે. ભણતરની તમામ સુવિધાઓ ગામડાના ભોગે શહેરમાં કરવામાં આવી હોવાથી ગામડાના વિદ્યાર્થીઓ શહેરના વિદ્યાર્થીઓ સાથે તંદુરસ્ત હરીફાઈ કરી શકતા નથી. આથી વિદ્યાર્થી સમયસર શાળા-કોલેજો પહોંચી શકે તે માટે સમયસર બસો દોડાવવામાં આવે તે જરૂરી છે. વિદ્યાર્થીઓ માટે સ્પેશ્યલ બસ દોડાવવામાં આવે તો ગામડાના લોકોને અને વિદ્યાર્થીઓને ન્યાય મળશે. એસ.ટી. ડેપોની ચાલતી લકઝરી અને પ્રાઈવેટ બસોમાં વિદ્યાર્થીઓના પાસ ચલાવવામાં આવતા નથી તે યોગ્ય નથી આથી વિદ્યાર્થીને તમામ પ્રકારની બસોમાં મુસાફરી કરવાનો હક્ક આપવામાં આવે. કાલાવડથી રાજકોટ સુધીમાં કેટલા વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે તેની માહિતી એકત્રીત કરી અને અદ્યતન રેકોર્ડ બનાવવામાં આવે અને વિદ્યાર્થીઓના આવવા-જવાના અને પહોંચવાના સમય પર ધ્યાન આપી તે પ્રમાણે બસોની સુવિધા આપવા માંગ કરી છે.

આ ઉપરાંત વાવાઝોડુ, વરસાદ કે તોફાનના સમયે બસની સુવિધા આપીને વિદ્યાર્થીઓને મોબાઈલથી મેસેજ કરવા, આણંદપર પાસેની ગાર્ડી કોલેજમાં બસ સ્ટોપ આપવામાં આવે અને અહીં રસ્તો પહોળો કરવો, શિયાળાની સાંજે ખાસ બસની સુવિધા, બસની પૂછપરછ માટે કર્મચારીની વ્યવસ્થા, અપડાઉન કરતા મુસાફરોની ચેકીંગ સ્કવોડ દ્વારા પૂછપરછ કરીને સુવિધા ફાળવવી, કાલાવડ-રાજકોટ વચ્ચે નોન સ્ટોપ બસ, ગામની અંદરના બદલે રોડ ઉપર બસ સ્ટોપ, ગાર્ડી કોલેજ આણંદપરને ખાસ બસની સુવિધા તથા લોકમેળા કે ગરીબ કલ્યાણ મેળામાં વિદ્યાર્થીઓના રૂટવાળી બસો ન ખેંચી લેવા માંગણી કરી છે.

આ ઉપરાંત જામનગર જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર બાંધકામ શાખામાં રજૂઆત કરીને કાલાવડ તાલુકાના પીપરથી નિકાવા સુધીના રોડ તાત્કાલીક કારપેટ કરવા માંગણી કરી છે. જો આ રોડ બનાવવાનું શરૂ ન કરાય તો તા. ૧ એપ્રિલના પ્રતિક ઉપવાસ ઉપર બેસવાની ચિમકી પ્રવિણભાઈ મુસડીયાએ આપી છે.

જીલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેરશ્રીને પત્ર પાઠવીને કાલાવડ તાલુકાના મોટા વડાળાથી પાતા મેઘપરનો રોડ અને સાઈડો પહોળી કરવા તથા માર્ગ અને મકાન વિભાગ જીલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેરશ્રીને પત્ર પાઠવીને ખડ ધોરાજીથી નિકાવા રોડની બાજુની સાઈડો ભરીને વૃક્ષો કાપીને રસ્તો પહોળો કરવા તથા પિપર, નિકાવા, ખડ ધોરાજી રોડ ઉપર સ્પીડબ્રેકર મુકવા કાલાવડના ધારાસભ્ય પ્રવિણભાઈ મુસડીયાએ માંગણી કરી છે.

(11:32 am IST)