Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

જૂનાગઢના વોર્ડ નં. ૬માં કોંગ્રેસનો અને વોર્ડ નં. ૧૫માં ભાજપનો વિજય

વોર્ડ નં. ૬માં કોંગી ઉમેદવાર લલીત પણસારાનો માત્ર ૪૨ મતથી વિજયઃ વોર્ડ નં. ૧૫માં ભાજપના નાગજીભાઈ કટારા ૧૬૦૮ મતથી વિજેતા

તસ્‍વીરમાં વિજેતા ઉમેદવાર અને પૂર્વ ડે. મેયર ગીરીશભાઈ કોટેચા, અશોક ભટ્ટ, શૈલેષ દવે, પુનિત શર્મા, બાલા રાડા સહિતના નજરે પડે છે (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨૩ :. જૂનાગઢ મનપાના બે વોર્ડની એક-એક બેઠકની પેટાચૂંટણીમાં વોર્ડ નં. ૬માં કોંગ્રેસનો અને વોર્ડ નં. ૧૫માં ભાજપનો વિજય થયો છે.

રવિવારે વોર્ડ નં. ૬માં ૫૦.૯૮ ટકા અને વોર્ડ નં. ૧૫માં ૫૨.૬૮ ટકા મતદાન થયુ હતું. જેની મતગણતરી આજે સવારે સરદારબાગ સ્‍થિત સંયુકત ખેતી નિયામક વિસ્‍તરણ કચેરી ખાતે કલેકટર ડો. સૌરભ પારઘીના માર્ગદર્શન હેઠળ અધિકારી એસ.એસ. કાસુદ્રા વગેરે દ્વારા હાથ ધરવામાં આવી હતી. મતગણતરીના અંતે વોર્ડ નં. ૬માંથી કોંગ્રેસના લલીતભાઈ પણસારાને અને વોર્ડ નં. ૧૫માંથી ભાજપના નાગજીભાઈ કટારાને વિજેતા જાહેર કરાયા હતા.

વોર્ડ નં. ૬માં કોંગ્રેસના લલીત પણસારાને ૨૬૮૭ મત મળ્‍યા હતા. જ્‍યારે તેમના ભાજપના મુખ્‍ય હરિફ ઉમેદવાર અરવિંદભાઈ રામાણીને ૨૬૪૫ મત મળતા શ્રી પણસારાનો ૪૨ મતની પાતળી સરસઈથી વિજય થયો હતો. આ વોર્ડમાં એનસીપીના ઉમેદવારને ૩૧ મત અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને ૧૦૦ મત મળ્‍યા હતા. જ્‍યારે અપક્ષ ઉમેદવાર પ્રવિણભાઈ વાઘેલાને ૨૧૫૫ મત મળ્‍યા હતા.

વોર્ડ નં. ૧૫માં ભાજપના ઉમેદવાર નાગજીભાઈ કટારાએ તેમના પિતા સ્‍વ. ડાયાભાઈ કટારાની બેઠક જાળવી રાખી હતી. નાગજીભાઈ કટારાને ૪૪૪૯ મત અને કોંગ્રેસના ઉમેદવાર લાખાભાઈ પરમારને ૨૮૪૧ મત મળતા શ્રી કટારાને ૧૬૦૮ મતની લીડથી વિજય પ્રાપ્‍ત થયો છે. આ વોર્ડમાંથી એનસીપીના ઉમેદવારને ૧૩૨૦ મત, અપક્ષ ઉમેદવારને ૧૯૭ મત અને નોટાના ફાળે ૧૮ મત ગયા હતા.

મત ગણતરીના અંતે વિજેતા જાહેર થયેલા ઉમેદવારોએ તેમના પાર્ટીના આગેવાનો-કાર્યકરો અને સમર્થકો વગેરે સાથે વિજય સરઘસ કાઢયુ હતું.

મત ગણતરી અને વિજય સરઘસ દરમ્‍યાન એસપી રવી તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ કાફલાએ સતત ખડે પગે રહીને બંદોબસ્‍ત જાળવ્‍યો હતો.

(12:37 pm IST)