Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

કોડીનારના દેવળી ગામના નિવૃત ફૌજીએ સુત્રાપાડાથી પગપાળા દેવાબાપાના ચરણોમાં શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી

કોડીનાર, તા. ર૩ : કોડીનાર તાલુકાના દેવળી ગામે નિવૃત આર્મીમેને સુત્રાપાડાથી પગપાળા ચાલીને દેદાબાપાના ચરણોમાં પુલવામાના શહીદોને અનેરી શ્રદ્ધાંજલી પાઠવી હતી. મૂળ પોરબંદરના અને આર્મીમાં ૧પ વર્ષ સેવા આપનાર અને હાલ સુત્રાપાડામાં ટીડીઓ તરીકે છેલ્લા ૪ માસથી ફરજ નિભાવતા નિવૃત આર્મીમેન રાણાભાઇ ઓડેદરાએ ગઇકાલે કેન્દ્ર સરકારને પત્ર પાઠવી તેમને ફરીથી આર્મીમાં વગર પગારે ફરજ ઉપર લેવાની માંગ કરી પોતે ફરીથી દેશ માટે સરહદે જાન કુરબાન કરવાના તૈયાર હોવાનું જણાવ્યું હતું. આજે આ નિવૃત આર્મીમેન રાણાભાઇ ઓડેદરાએ વિસ્તરણ અધિકારીઓ નકુમભાઇ, ચાવડાભાઇ અને વાવડી ગામના સરપંચ સાથે સુત્રાપાડાથી કોડીનાર તાલુકાના દેવળી ગામે પગપાળા જઇ કારડીયા રાજપૂત સમાજના વીરસપુત દેદાબાપાની પ્રતિમા ખાતે પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી પોતાની પગપાળા યાત્રા વિશે જણાવ્યું હતું કે પુલવામામાં શહીદ થયેલા મર્દ માણસોને સાચી શ્રદ્ધાંજલી અને પુષ્પાંજલી મર્દ માણસના ચરણોમાં જ અર્પવી જોઇએ એટલે દેવળી ગામે દેદાબાપાના ચરણે શહીદોને પુષ્પાંજલી કરવા આવ્યા હોવાનું જણાવી સરકાર ફરીથી તક આપે તો પોતે ફરી વિના પગારે આર્મીમાં જઇ દેશ સેવા કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. આ તકે પૂર્વ ધારાસભ્ય ધીરૂભાઇ બારડે કેન્દ્ર સરકાર સમક્ષ પુલવામાના શહીદોના પરિવારોને મદદ કરવા માંગણી કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દેવળીના ગ્રામજનો હાજર રહ્યા હતાં. (૮.૧૦)

 

(11:54 am IST)