Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

વાંકાનેરમાં છરી સાથે દંગલ કરવા આવેલ ૪ શખ્સોને મહિલાઓએ ઓરડીમાં પુરી દિધા

મોરબીના ચાર પૈકી એક શખ્સ દારૂ પીધેલ હતોઃ ત્રણ પાસેથી મહિલાઓએ છરી ખુંચવી લીધીઃ તમામને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

વાંકાનેર તા. ર૩: વાંકાનેરના સલાટનગરમાં દારૂ પી છરી સાથે દંગલ કરવા નીકળેલ ચાર શખ્સોનો મહિલાઓએ હિંમતપૂર્વક સામનો કરી છરી ખુંચવી લઇ ઓરડીમાં પુરી દઇ પોલીસને જાણ કરતા પોલીસે આ ચારેય શખ્સોની સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

મળતી વિગતો મુજબ વાંકાનેર ગાયત્રી મંદિર સામે આવેલા સલાટ નગરમાં મોરબીના ચાર શખ્સો હાથમાં છરી લઇને સલાટ લોકોના ઘરમાં ઘૂસી, ગાળો આપી, છરીઓ વડે ખૂન કરવાના ઇરાદે આતંક મચાવતા ત્યાં રહેતી સલાટ કોમની મહિલાઓએ તમામ શખ્સોનો સામનો કરી, દારૂ પી ને દંગલ મચાવવા આવેલા આ ચારેય શખ્સો પાસેથી હિંમત પૂર્વક ત્રણ જેટલી ઘાતક છરીઓ ખૂંચવી લઇ, આ તમામને ઓરડીમાં પુરી દઇ, પોલીસને જાણ કરી હતી.

હેડ કો. આર. એચ. જાડેજા પોતાના સ્ટાફ સાથે તુર્તજ ઘટના સ્થળે દોડી આવી, ઓરડીમાં પુરાયેલા એક એકને બહાર કાઢી-સારી એવી સરભરા કરી આ ચારેય શખ્સો સામે આઇપીસી ૩૭/૧-૧૩પ તેમજ દારૂ પીધેલી હાલતના ગુંના દાખલ કરી આરોપી ૧. પ્યારૂ દાદુભાઇ પરમાર, કામઘેનુ સોસાયટી-મોરબી તથા ર. હમીર સાનીયાભાઇ રાઠોડ-મોરબી ૩. જગદીશ હેમાભાઇ પરમાર-મોરબી તથા ૪. પ્રતાપ દાદુભાઇ પરમાર-મોરબીની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલ ચાર શખ્સો પૈકી એક દારૂ પીધેલ હતો અને બાકીના ત્રણ શખ્સો પાસેથી છરી મળી આવી હતી. મોરબીના ઉકત ચારેય શખ્સો ફેમીલી મેટર બાબતે વાંકાનેર આવ્યા હતા અને ડિંગલ કરતા લોકઅપની હવા ખાવી પડી હતી.

(1:07 pm IST)