Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ગીતાબેને ફોન કરી કહ્યું માસી સાથે ફરવા જાઉ છું, હમણા આવી જઇશ...પણ પતિને તેણીનો મૃતદેહ જ જોવા મળ્યો!

ટંકારા પાસે સર્જાયેલા ત્રણનો ભોગ લેનાર એસ.ટી. બસ અને કાર વચ્ચેના અકસ્માતની કરૂણાંતિકાઃ પત્નિના મોતથી મુળ જેતપુરના સિંધી યુવાન નિતેષ રાયકંગોર શોકમાં ગરકઃ પતિ-પત્નિ દોઢ માસ પહેલા જ મોરબી રહેવા આવ્યા'તા

રાજકોટ તા. ૨૩: ટંકારા પાસે ગત સાંજે સર્જાયેલા અકસ્માતની કરૂણાંતિકા એ છે કે મૃત્યુ પામનાર ત્રણ પૈકીના મોરબી વાવડી રોડ સિંધી સોસાયટીમાં રહેતાં સિંધી પરિણીતા ગીતાબેન નિતેષભાઇ રાયકંગોર (ઉ.૩૦)ના હજુ સવા વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં. નિતેષભાઇ મુળ જેતપુરના વતની હોઇ ગીતાબેનનો મૃતદેહ અંતિમવિધી માટે જેતપુર લઇ જવાયો છે. નિતેષભાઇ મનુભાઇએ કહ્યું હતું કે સાંજે છએક વાગ્યે હું મારી દૂકાને હતો ત્યારે મને ગીતાએ ફોન કરીને કહ્યું હતું કે હું માસી અને તેની દિકરી સાથે ફરવા-આંટો મારવા જાવ છું, એ પછી તેને અકસ્માત નડ્યાની અને રાજકોટ લઇ ગયાની જાણ થતાં હું તાબડતોબ રાજકોટ પહોંચ્યો હતો. પણ અહિ મને પત્નિનો મૃતદેહ જ જોવા મળ્યો હતો!

નિતેષભાઇએ ટેલિફોનીક વાતચીતમાં કહ્યું હતું કે મારે મોરબીમાં રેડીમેઇડ કપડાની દૂકાન છે. સવા વર્ષ પહેલા મારા લગ્ન ગીતા સાથે થયા હતાં. તેણીના માવતર કેશોદ રહે છે. અમે બંને દોઢ મહિના પહેલા જ ધંધાના વિકાસ માટે મોરબી આવ્યા હતાં અને મેં અહિ દૂકાન શરૂ કરી હતી. સાંજે ગીતાએ મને ફોન કર્યો હતો અને પોતે મારા જીજાજીના માસી અને તેની દિકરી સાથે ફરવા જાય છે, થોડી વારમાં આવી જશે તેવી વાત કરી હતી.

એ પછી મને મોડી સાંજે ફોન આવ્યો હતો કે ગીતાને અકસ્માત નડ્યો છે અને રાજકોટ હોસ્પિટલમાં લઇ ગયા છે. હું રાજકોટ પહોંચ્યો હતો. પણ અહિ તેણી મૃત્યુ પામ્યાનું જણાવાયું હતું.

આ અકસ્માતમાં અન્ય બે મુસાફરો એસ.ટી. બસમાં બેઠેલા હેતલબેન જયંતિલાલ ચાવડા (ઉ.૨૪-રહે. કરણ પાર્ક) તથા કોડીનાર કડવાસણ ગામના પરિકેત અમરશીભાઇ (ઉ.૧૯)ને રાજકોટ સિવિલમાં ખસેડાતા ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી. આ બંનેએ રાત્રે જ સિવિલ હોસ્પિટલમાંથી રજા લીધી હતી.

(11:42 am IST)