Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

કાગળ ઉપર કોરોના વેકસીન મામલે તપાસના આદેશ આપતા ડેપ્યુટી કલેકટર.

મોરબીમાં કોરોના રસી મુકાવ્યા વગર સર્ટિફિકેટ ઇશ્યૂ થવાની વધુ એક ઘટના સામે આવી

મોરબી : મોરબીમાં વેકસીનેશનનો ટાર્ગેટ પૂરો કરવા મામલે કાગળ ઉપર વેકસીનેશન ચાલતું હોવાની અનેક ઘટના સામે આવી છે. જેમાં બીજો ડોઝ ન લીધો હોવા છતાં વેકસીનેશન લઈ લીધાનું સર્ટિફિકેટ મોબાઈલ આવી જતું હોવાની વધુ એક ઘટના સામે આવી છે અને વેક્સીન લેવા માટે એક પરિણીતા સબ સેન્ટરે ગયા તો ત્યાં તાળું જોવા મળ્યું હતું. વેક્સીન ન થયું હોવા છતાં તેના મોબાઈલમાં વેક્સીન લઈ લીધાનું સર્ટિફિકેટ આવી ગયું હતું. કાગળ ઉપર કોરોના વેકસીન મામલે ડેપ્યુટી કલેકટરે તપાસના આદેશ આપ્યા છે.

મોરબીમાં વેક્સીન ન લીધી હોવા છતાં વેક્સીન લઈ લીધાનું લોકોના મોબાઈલમાં સર્ટિફિકેટ આવી જતું હોવાના બનાવો સતત વધી રહ્યા છે. આ રીતે છેલ્લા પાંચ દીવસથી 50 થી વધુ લોકોને કાગળ ઉપર વેક્સીન આપી દેવાયું છે. જ્યારે કલેકટર દ્વારા વેકસીનેશનનો ટાર્ગેટ પૂરો કરવા માટે જિલ્લા વહીવટી તંત્રને કામગીરી સોંપવામાં આવી છે. જેનું મોનીટરીંગ ડે. કલેકટર કરી રહ્યા છે. ત્યારે આ ટાર્ગેટ પૂરો કરવા માટે કાગળ ઉપર જ વેકસીનેશનનું કૌભાંડ જબરું ગાજયું છે અને વધુ એકને વગર વેક્સીને સર્ટિફિકેટ ધાબડી દેવાયું છે.
મોરબીના પંચોટીયા ભાવનાબેન મોહિતભાઈને વેકેશન લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને હજુ તો વેક્સીન લેવા જાય એ પહેલાં જ તેમના મોબાઈલમાં સર્ટિફિકેટ આવી ગયું હતું. બાદમાં પીપળી ગામના આરોગ્ય સબ સેન્ટરમાં વેક્સીન લેવા ગયા તો ત્યાં તાળું જોવા મળ્યું આથી તેઓએ ફોનમાં સંપર્ક કરતા આરોગ્ય સેન્ટરના કર્મચારીએ રંગપર આવી જાવ ત્યાં વેક્સીન મુકાવી દેશું. આથી તેઓએ આ મામલે ડે. કલેકટરને રજુઆત કરી હતી. આથી ડે. કલેકટર ડી.એ.ઝાલાએ જણાવ્યું હતું કે, આ ગંભીર મામલે ફરી ભુલ ન થાય તે માટે તકેદારી રાખવા તમામ કર્મચારીઓને સુચના આપી દેવામાં આવી છે અને યોગ્ય તપાસ કરવામાં આવશે.

(5:25 pm IST)