Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

'બેટી બચાવો બેટી પઢાવો' સપ્તાહ અંતર્ગત

જામનગર જિલ્લાના લાલપુર, જામજોધપુરમાં પ્લેકાર્ડ -બેનરો -સુત્રોચ્ચાર સાથે રેલી યોજાઇ

સહિ અભિયાનમાં જોડાઇ ગ્રામવાસીઓએ દિકરી બચાવવાના સામુહિક શપથ લીધા : સમસ્ત ગ્રામજનો દ્વારા દીકરીઓને તિલક કરી વધાવી

જામનગર તા.૨૩મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા 'બેટી બચાવો બેટી પઢાવો' અભિયાન ૨૦મી  ૨૬જાન્યુઆરી સુધી જિલ્લામાં ચાલનારી સાપ્તાહિક ઉજવણી અંતર્ગત લાલપુર, જામજોધપુર અને જામનગર ગ્રામ્યમાં રેલી યોજાઈ હતી. રેલીમાં બેટી બચાવો બેટી પઢાવોના   સ્ટિકર વિતરણ કરાયા હતા. આ રેલી પ્લેકાર્ડ , બેનરો  તેમજ સુત્રોચ્ચાર સાથે  'બેટી બચાવો બેટી પઢાવો',  'સ્ત્રી ભૃણ હત્યા અટકાવો ',   'બેટીકા કરોગે નાશ તો હોગા સબકા વિનાશ',  'ગર્ભનું જાતિય પરિક્ષણ કાનુની અપરાધ છે',  'સ્વાભિમાન અને અભિમાન છે દિકરી', 'દિકરી બચાવો દિકરી પઢાવો', 'દિકરી એટલે વ્હાલનું મીઠુ ઝરણું', 'દરેક યુધ્ધમાં હારશે જે દિકરીને નહીં અપનાવશે.' લાલપુર, જામજોધપુર અને જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી હતી.

રેલી સાથે જ ગ્રામલોકોએ બેટી બચાવો અભિયાનમાં સમર્થન આપતા સહી ઝુંબેશમાં સહકાર આપ્યો હતો તેમજ દિકરીના જન્મને વધાવવાના અને સ્ત્રી શકિતના આદર અને સત્કારની ભાવના કેળવવાના, પ્રસારિત કરવાના શપથ લીધા હતા. આ અભિયાન દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં જન્મેલ દિકરીઓને કુમકુમ તિલક કરી વધાવવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમની ઉજવણી આઇ.સી.ડી.એસ. વિભાગ, મહિલા અને બાળ કચેરી જામનગરની જહેમતથી સફળ થઇ હતી, ભારે લોકપ્રતિસાદ સાથે આ રેલીને સફળતા મળી હતી.

રાષ્ટ્રીય મતદાર દિવસ નિમિત્ત  રેલીનું આયોજન

જામનગર :રાષ્ટ્રીય મતદાર દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી આગામી તા.૨૫ જાન્યુઆરીના રોજ કરવામાં આવનાર છે. જે અન્વયે ૨૫ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે કલેકટર કચેરી, શરૂ શેકસન રોડથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવશે. આયોજિત રેલી ધનવંતરી ઓડિટોરિયમ હોલ ખાતે પૂર્ણ થશે. આ રેલીમાં બુથ લેવલ ઓફિસર, મતદાર માટે લાયક થનાર શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ / અધિકારીઓ જોડાશે. રેલી પૂર્ણ થયા બાદ ધનવંતરી ઓડિટોરિયમ હોલ ખાતે વર્ષ દરમિયાન સારી કામગીરી કરનાર મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી, સુપરવાઇઝર, બી.એલ.ઓ, કેમ્પસ એમ્બેસેડર વગેરેને જેમનો ૧ થી ૩ ક્રમ આવેલ છે તેઓને સન્માનિત કરવામાં આવશે અને સાથે જ કાર્યક્રમમાં હાજર રહેનાર તમામ મતદાર દિવસની પ્રતિજ્ઞા લેશે. આ કાર્યક્રમમાં જામનગરના નાગરિકોને જોડાવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી જામનગર દ્વારા હાર્દિક અપીલ કરવામાં આવે છે.

(11:38 am IST)