Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

વૃધ્ધ પિતાના ભરણપોષણમાં દુર્લક્ષ સેવતા સંતાનો વિરૂધ્ધ ધોરાજીના નાયબ કલેકટરનો ચેતવણીરૂપ ચુકાદો

દર મહિને પાંચ હજાર ચુકવવા તેમજ પિતાની જમીનમાં પુત્રોના નામે હકકપત્રકે થયેલ નોંધ રદ કરવા હુકમ

ધોરાજી તા. ર૩: વૃધ્ધ પિતાનાં ભરણ-પોષણમાં દુર્લક્ષ સેવતા સંતાનો વિરૂધ્ધ ધોરાજી નાયબ કલેકટરે મહત્વનો ચુકાદો આપેલ હતો.

કલાણાનાં રહીશ ગોરધનભાઇ માધાભાઇ શેરઠીયા ઉ.વ.આ. ૮૦નાં ઓએ પોતાનાં પુત્રો (૧) મનસુખભાઇ ગોરધનભાઇ શેરઠીયા તથા (ર) મગનભાઇ ગોરધનભાઇ શેરઠીયા વિરૂધ્ધ ધોરાજી નાયબ કલેકટર સમક્ષ માતા-પિતા અને વરિષ્ઠ નાગરીકોનાં ભરણ-પોષણ અને કલ્યાણ બાબત અધિનિયમ-ર૦૦૭ તથા નિયમો-ર૦૦૯ મુજબ ધોરાજીનાં ધારાશાસ્ત્રીશ્રી ડી. સી. વોરા મારફત અરજી દાખલ કરેલ.

આ કેસ ચાલી જતા અરજદારનાં નામે આવેલ સીમ જમીનો સંતાનોએ છેતરપીંડીથી પોતાનાં નામે કરાવી લીધેલ. તેમજ જમીનો નામે થઇ ગયા બાદ પિતાનાં ભરણ-પોષણની જવાબદારી નિભાવતા ન હોય અને પિતાની સ્થિતિ રસ્તે રઝળતી કરી દીધેલ હોય. જેથી ધોરાજીનાં નાયબ કલેકટર જી. વી. મીયાણી એ બન્ને પુત્રોએ ભરણ-પોષણ પેટે રૂ. પ-પ હજાર નિયમીત પિતાનાં બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવા તેમજ પિતાનાં નામની જમીન સબંધે હકકપત્રકે પુત્રોનાં નામની પ્રમાણીત થયેલ નોંધો રદ કરી ફરીથી હકકપત્રકે અરજદારનાં નામે લઇ જવા હુકમ ફરમાવેલ હતો.

આ કેસમાં અરજદાર વતિ ધોરાજીનાં ધારાશાસ્ત્રી દિનેશ સી. વોરા એ રજુઆતો કાયદાનાં મુદાઓ ટાંકી કરેલી.

(11:36 am IST)