Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

ગાંધીધામમાં રાજ્યનું સૌથી મોટું જીએસટી કૌભાંડ ૫૩૧ કરોડ રૂ.ના બોગસ બિલ બનાવી ૯૭ કરોડ રૂ.ની ઇનપુટ ક્રેડિટ મેળવી લીધી

ભુજ તા. ૨૩ : સેન્ટ્રલ જીએસટી ટીમ દ્વારા ગાંધીધામ મધ્યે હાથ ધરાયેલી તપાસમાં રાજયનું સૌથી મોટું જીએસટી ચોરીનું કૌભાંડ બહાર આવ્યું છે. આ અંગે અપાયેલી સતાવાર માહિતી મુજબ મેસર્સ પ્રીત એન્ટરપ્રાઇઝ નામની વ્યાપારી પેઢી ચલાવનાર ગુરૂકમલસિંઘ દ્વારા બોગસ ૧૭ કંપનીઓ ખોલવામાં આવી હતી. અલગ અલગ વ્યકિતઓ ને થોડા પૈસા આપીને તેમની જાણ બહાર આ ૧૭ કંપનીઓના બેંક ખાતા ખોલ્યા હતા.

આ તમામ બોગસ કંપનીઓ દ્વારા માત્ર કાગળ ઉપર જ બિલ બનાવીને અપાતા હતા. આ બોગસ બિલો ગુજરાત ઉપરાંત રાજસ્થાન, હરિયાણા, પંજાબની વ્યાપારી પેઢીઓને અપાય હોવાનું અને આ બોગસ બિલોના આધારે ૯૭.૬૯ કરોડ રૂ.ની ઇનપુટ ક્રેડિટ મેળવી લેવાઈ હોવાનું તપાસમાં ખુલ્યું છે. જે ૧૭ કંપનીઓ ગુરૂકમલસિંઘ દ્વારા ખોલાઈ હતી તેમના સરનામા બોગસ હતા તેમ જ તમામ કંપનીઓના બેંક એકાઉન્ટ પણ તે જ ચલાવતો હતો. ૩૮ વર્ષીય ગુરૂકમલસિંઘ ને અત્યારે ૧૫ દિવસ માટે જેલ હવાલે કરાયો છે. જોકે, જીએસટી કચેરીના સ્ટાફ પાસે કસ્ટમ, ડીઆરઆઈ કે ઇન્કમટેકસ જેવી સતા નથી, પરિણામે કૌભાંડકારો જીએસટી ચોરીના સમન્સને દાદ આપતા નથી. તરત જ કોર્ટ માં જાય છે અને તપાસ આડે કાયદાકીય અંતરાયો ઉભા કરે છે.(૨૧.૬)

(11:52 am IST)