Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ટંકારામાં ફરી તસ્કરોનુ કોમ્બીંગઃ ૩ દુકાનો તૂટી

ગત શનિવારે એક મંદિર અને બે બંધ મકાનમાંથી અડધા લાખની ચોરી કર્યા બાદ તસ્કરોનો વધુ એકવાર પોલીસને પડકારઃ સતત ચોરીના બનાવથી વેપારીઓમાં ભય

રાજકોટ, તા. ૨૩ :. ટંકારા પંથકમાં તસ્કર ટોળકીએ ધામા નાખ્યા હોય તેમ ફરીવાર ગઈકાલે રાત્રે ત્રાટકયા હતા અને ૩ દુકાનોને નિશાન બનાવી હતી. સતત ચોરીના બનાવોથી પ્રજા અને વેપારીઓમાં ભય ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારામાં લતીપર ચોકડી પાસે આવેલ ૩ દુકાનોમાં ગત રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. જેમાં બે કરીયાણાની દુકાન અને એક મોબાઈલની દુકાનનો સમાવેશ થાય છે. તસ્કરોને કોઈ ધનલાભ ન થતા પરચુરણ માલસામાન ચોરી કરી ગયા હતા. બનાવની જાણ થતા ટંકારાના પીએસઆઈ તેરૈયા ઘટના સ્થળે દોડી ગયા હતા. જો કે વેપારીઓએ ફરીયાદ કરવાની અનિચ્છા દર્શાવતા પોલીસે જાણવા જોગ એન્ટ્રી કરી હતી. બે દિવસ પહેલા તસ્કરોએ ટંકારામાં અયોધ્યાપુરીમાં આવેલ શ્રી બાબા રામદેવપીર મંદિરની દાનપેટી તોડી ૧૫ થી ૨૦ હજારની રોકડ ચોરી ગયા હતા. તેમજ ટંકારા લક્ષ્મીનારાયણનગરમાં રહેતા સાવકીના હાર્દિક ખીમજીભાઈ ભેંસદડીયાના બંધ મકાનમાં તાળા તોડી ૧૭ હજારનું ટીવી ચોરી કરી ગયા હતા. આ જ મકાનમાં અગાઉ પણ ચોરી થઈ હતી. તેમજ બાજુની શેરીમાં રહેતા અને જોધપુર ઝાલા ખાતે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહના બંધ મકાનના તાળા તોડી ૨૦ હજારની રોકડ તથા ચાંદીના સિક્કા ચોરી ગયા હતા.

બે દિ' પહેલા ટંકારામાં તસ્કરોએ ૩ જગ્યાએ ચોરી કર્યા બાદ ગત રાત્રે ફરી ૩ દુકાનોને નિશાન બનાવતા પ્રજા અને વેપારીઓમાં ભય  ફેલાયો છે. રાત્રી પોલીસ પેટ્રોલીંગ કડક બનાવવા અને આ તસ્કર ટોળકીને પકડી લેવા પ્રજામાં માંગણી ઉઠી છે.

(4:36 pm IST)