Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

કાળીપાટમાં બળદે ઢીંક મારતાં કોળી આધેડ ધીરૂભાઇ ગોવાણીનો જીવ ગયો

વાડીએ પાણી પીવડાવવા ગયા ત્યારે બનાવઃ ત્રણ પુત્રોએ પિતાનું છત્ર ગુમાવ્યું: પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૩: રાજકોટ તાલુકાના કાળીપાટ ગામમાં કોળી આધેડને વાડીએ તેના જ બળદે છાતીમાં ઢીંક મારી પછાડી દેતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ કાળીપાટમાં રહેતાં ધીરૂભાઇ વશરામભાઇ ગોવાણી (ઉ.૪૫) નામના કોળી આધેડ સાંજે સાડા પાંચેક વાગ્યે પોતાની વાડીએ હતાં ત્યારે બળદને પાણી પીવડાવવા જતાં બળદે ઢીંક મારી પછાડી દેતાં ગંભીર ઇજા થતાં રાજકોટ દોશી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

આજીડેમ પોલીસમાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રવિભાઇએ જાણ કરતાં એએસઆઇ સી.એમ. ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ધીૂરભાઇ સાત ભાઇ અને બે બહેનમાં ચોથા હતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં ત્રણ પુત્રો છે. પત્નિનું નામ લાભુબેન છે. ત્રણ પુત્રોમાં એક પરિણીત છે અને બે અપરિણીત છે. બનાવને પગલે કોળી પટેલ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:37 am IST)