Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

તળાજા પાલિકાના જંગમાં પાત્ર જોઇ મતદારો મતદાન કરશે

અપક્ષ ઉમેદવારોનું પ્રમાણ પણ રહેશે જેના કારણે ચૂંટણીમાં શામ,દામ, દંડ અને ભેદ અપનાવાશે : ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરી બોર્ડની સ્થાનિક આગેવાનો સાથે બેઠક ભલે મળી, પરંતુ મૂરતિયા હજૂ ફાઇનલ નથી

તળાજા, તા. ર૩ : તળાજા નગર પાલિકાની ચૂંટણીનું જાહેરનામુ કયારે બહાર પડશે અને બંને મુખ્ય હરિફ પક્ષ દ્વારા કેવા મૂરતિયાઓ પસંદ કરવામાં આવશે ? આ બે મુદ્દા પર રાજકીય કાર્યકતાૃઓ અને નગરજનોની મીટ છે. દોઢ-બે દાયકાથી સક્રિય રીતે રાજકારણ ખેલતા વ્યકિતઓના મંતવ્ય પ્રમાણે પક્ષ કરતા વ્યકિતનો દબદબો વધારે જોવા મળશે તો સામે અપક્ષો પણ મેદાનમાં વધુ જોવા મળશે આથી જીત મેળવવા તમામ હાથકેંડા અપનાવવામાં આવશે.

તળાજા નગરનું સીમાંકન બદલાતા આવનાર પાલિકાની ચૂંટણીમાં સમીકરણો બદલાયા છે સાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વિધાનસભામાં કોંગ્રેસ વિજેતા હોઇ છેલ્લા દોઢ-બે દાયકાથી ભાજપ પાસે રહેલ તળાજા નગરપાલિકાનું સુકાન કોંગ્રેસ છીનવે તો નવાઇ નહીં રહે.

ભાજપના કાર્યકર્તાઓમાં એવી ચર્ચા છે કે મોવડી મંડળ એવું ઇચ્છે છે કે પાલિકામાંથી કોઇપણ કાળે ભાજપ પાસેથી સતા જવી ન જોઇએ, પરંતુ વર્તમાન સમયે ટિકીટ મેળવવા, પનલ બનાવવા અને સારા કરતા મારાને ટિકીટ મળે તેવી ટાંટીયા ખેંચ ભાજપમાં પ્રબળ બનતી જાય છે તે વાત હવે છાની રહી નથી જે ભાજપને નુકશાન કરી રહી છે તેમની સાથે છેલ્લા બે દિવસથી કોઇ એક વ્યકિતને ટિકીટ ફાળવણી માટે નિર્ણય લેવાનું જણાવ્યું તે વાત ભાજપના આગેવાનો સ્વીકારતા નથી. ! બીજી તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા ભાજપની જેમ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી ! બે-ચાર મુખ્ય વ્યકિતઓ નક્કી કરે તેજ મુરતીયા તે વાતને લઇ પણ ચકચાર છે એટલે જ નહીં કોનું કયાં સેટીંગ ગોઠવાય છે અને તે પાર્ટી અથવા તો વ્યકિતના હિતમાં કેટલા પ્રમાણમાં છે તે પણ આવનારા દિવસોમાં કોંગ્રેસમાં મતભેદ લાવી શકે તેમ છે.

રાજકીય પંડીતોનું માનવું છે કે બંને મુખ્ય રાજકીય હરીફ પક્ષ પાસે ટિકીટ વાંચ્છુઓ ઘણા છે, પરંતુ જેમની અપેક્ષા સંતોષાઇ ન હોય તેવા વ્યકિત અપક્ષ ઉમેદવારી નોંધાવે તેનું પ્રમાણ મોટુ રહે તેવી શકયતા વર્તાઇ રહી છે.

સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોઇ નગરના મતદારો પોતાની સમક્ષ આવતો ઉમેદવાર કેવો છે તે તમામ બાબત જાણતા હોઇ પક્ષ કરતા મતદારો પાત્રતા જોઇ મતદાન કરશે.

ભાજપની ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી તેમાં સ્થાનિક આગેવાનો પણ મૂરતિયા નક્કી કરવા માટે ઉપસ્થિત રહ્યા. ભાજપ સતત ટિકીટ આપવામાં ભૂલ ન પડે તેવી કવાયત હાથ ધરી રહ્યું છે ત્યારે કહેવાય છે કે પાર્લામેન્ટરી બોર્ડમાં પણ હજુ પાકાપાયે કોને ટિકીટ આપવી તે નક્કી થયું નથી તેવી વાત પણ ભાજપમાં ચર્ચા સ્થાને છે.

(11:31 am IST)