Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

કોડીનારમાં ખેડૂતોની આત્મહત્યા પાછળનાં જવાબદારો સામે કડક પગલાં ભરવા માગણી

કૃષિ મંત્રીને શેરડી-ગોળ ઉત્પાદન ખેડૂત મંડળ દ્વારા પત્ર

કોડીનાર તા. ર૩ :.. કોડીનાર અને તેનાં આસપાસનાં વિસ્તારોમાં ગત દિવસોમાં શેરડી અને ગોળ ઉત્પાદન કરનાર બે ખેડૂતોએ આત્મહત્યા કરતાં ખેડૂતોને આત્મહત્યા માટે મજબુર કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરાઇ છે.

શેરડી  તથા ગોળ ઉત્પાદન ખેડૂત મંડળ દ્વારા કૃષિ મંત્રી આર. સી. ફળદુને પત્ર પાઠવી જણાવ્યું હતું કે સોરઠ  વિસ્તારમાં શેરડીનો  મબલખ પાક થાય છે. અને આ વિસ્તારમાં આવેલ કોડીનાર, તાલાળા, ઉનાની સ્યુગર મિલો બંધ પડેલ છે. ત્યારે ગીર સોમનાથ જીલ્લામાં ૩પ૦ ગોળ યુનિટ રાબડા દ્વારા દરરોજ ર૮ હજારથી વધુ ડબા ગોળનું ઉત્પાદન થાય છે.

આ વિસ્તારમાં શેરડીની ભાવ ટનનાં ર૪૦૦ રૂ. મળી તેનો ગોળ બનાવવા એક ટન શેરડી ઉપર ૧૩૦૦ રૂ. ની ખર્ચ થાય છે. એક ટન શેરડીમાંથી ગોળ બનાવવા ૩૭૦૦ રૂ. નો ખર્ચ થાય  દર ૧ ટન શેરડી માંથી ૬ મણ ગોળનું ઉત્પાદન થાય છે. જેનો બજાર ભાવ રૂ. ર૮૮૦ થી ર૯૪૦ રૂપિયા જ થાય છે. આમ એકંદરે ખેડૂતને એક ટન શેરડીમાં રૂ. ૭૦૦ થી ૮૦૦ ની ખોટ સહન કરવી પડે છે. ત્યારે આ વિસ્તારનાં અમુક વેપારીઓ અને અમુક તત્વો દર વર્ષે લાખો ડબા અખાદ્ય ગોળ મધ્ય પ્રદેશ, યુ. પી. છત્તીસગઢ જેવા રાજયોમાંથી ગેરકાયદેસર મંગાવી, ચેક પોસ્ટ ઉપર વહીવટ કરી ગુજરાતમાં ઘુસાડી કરોડો રૂ. નો અખાદ્ય ગોળ, રાજકોટ, જામનગર, અમરેલી, જુનાગઢ, નવસારી,  સુરત જેવા સેન્ટરોના કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવામાં આવે છે.

બહારના રાજયોમાં દારૂ બનાવવા જ ગોળ બનાવવામાં આવે છે. જે ખૂબજ સસ્તા ભાવમાં બનતો હોય, વેપારીઓ મોટો નફો લઇ ખાદ્ય ગોળનાં બહાના નીચે આવા અખાદ્ય ગોળ ગુજરાતમાં ઘુસાડી આ વિસ્તારનાં ખેડૂતોને પાયમાલ કરી રહ્યા છે.

ઉપરોકત પરિસ્થિતિનાં કારણે કોડીનાર તાલુકાનાં આલીદરગામના અને મોરવડ ગામના  શેરડી ગોળ ઉત્પાદક બે ખેડૂતોએ ગત સપ્તાહમાં આત્મહત્યા કરી તેમજ આવા અખાદ્ય ગોળનાં કારણે ગુજરાતમાં વારંવાર લઠ્ઠાકાંડ સર્જાય છે. ઉપરોકત બાબતો ખેડૂતો માટે જીવન મરણની  પ્રશ્ન હોય, ૭ દિવસમાં તાત્કાલીક કડક કાર્યવાહી કરવા અન્યથા ખેડૂતો દ્વારા અખાદ્ય ગોળ સંગ્રહ કરનારા કોલ્ડ સ્ટોરેજ ઉપર જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

(11:30 am IST)