Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

પાલીતાણા ખાતે સૌ પ્રથમ વખત રાજ્યકક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધા

ભાવનગર, તા. ૨૩ :. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના ઉપક્રમે ચ.મો. વિદ્યાલય, પાલીતાણાના સહયોગથી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ભાવનગર શહેર દ્વારા સંચાલિત રાજ્યકક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધા તા. ૨૬, ૨૭ દરમ્યાન સૌ પ્રથમ વખત પાલીતાણા ખાતે યોજાનાર છે. આ સ્પર્ધામાં રાજકોટ પ્રદેશ, અમદાવાદ પ્રદેશ, વડોદરા પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા સંભવિત ૪૦૦થી ૪૨૫ કલાકારો સહાયક સાથે પોતાની કૃતિ રજૂ કરશે.

રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા થનાર કલાકાર/ટીમને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે. તા. ૨૬ બપોરે ૩.૦૦ કલાકે ચ.મો. વિદ્યાલય, પાલીતાણા ખાતે ઉદઘાટન સમારોહમાં મહેન્દ્રસિંહ સરવૈયા-ચેરમેન, ગુજરાત હાઉસિંગ બોર્ડના અધ્યક્ષ સ્થાને તેમજ ભીખાભાઈ બારૈયા ધારાસભ્ય-પાલીતાણાના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી હર્ષાબેન પંડિત, શાંતિભાઈ જી. મહેતા, મયુરસિંહ સરવૈયા, પ્રવીણભાઈ ગઢવી તેમજ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આયોજન થનાર છે.

તા. ૨૬ બપોરના ૩.૦૦ કલાકથી લોકનૃત્ય, સમુહગીત, લગ્નગીત, લોકગીત, ભજન, નિબંધ, ચિત્રકલા, સર્જનાત્મક કારીગરીની સ્પર્ધાઓ યોજાશે. તા. ૨૭ સવારના ૯.૦૦ કલાકથી લોકવાર્તા, દોહા, છંદ, ચોપાઈ, લોકવાદ્ય, એકપાત્રીય અભિનય, વકતૃત્વ સ્પર્ધાઓ યોજાશે. આ સ્પર્ધાઓ શ્રી ચ.મો. વિદ્યાલય તથા શ્રીમતી પી.એન.આર. મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાશે.

(11:29 am IST)