Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ઉપલેટાના ચીખલીયા ગામના ૩૮ ખેડૂતોનો પાક વિમો અટકયો

ઉપલેટા, તા. ર૩ : ઉપલેટા તાલુકાના ચીખલીયા ગામના ૩૮ ખેડૂતોએ અધિકારીશ્રીઓને, કૃષિમંત્રી, બેન્ક ઓફ બરોડા, ડેપ્યુટી કલેકટર ધોરાજી મામલતદારશ્રી ઉપલેટાને આવેદનપત્ર પાઠવી. ગત વર્ષે મગફળીના પાકનું વાવેતર કરેલ હતું અને બેન્ક ઓફ બરોડાની બ્રાંચમાંથી ધીરાણ લીધેલ હોય જેથી વિમા માટેનું પ્રીમીયમ તથા તે અંગેની ઓનલાઇન અરજીઓ નિયત સમય મર્યાદામાં કરી બેન્ક ઓફ બરોડા ચીખલીયા બ્રાંચમાં જમા કરાવેલ છે. હાલ સરકારશ્રી દ્વારા મગફળીનો પાક વિમો જાહેર થયેલ હોય અને વિમો ચૂકવવાની કાર્યવાહી પૂર્ણ થઇ ગયેલ છે જેથી ચૂકવણી માટે તપાસ કરતા જાણવા મળેલ કે બેન્કમાં વિમો જમા થયેલ નથી. ઉપરોકત વિગતે નિયમોનુસાર વિમાનું રક્ષા કવચ મેળવવા નિયત સમયમાં અરજીઓ કરેલ હોવા છતાં બેન્ક ઓફ બરોડાની ડેડ ઓફીસમાં ટેકનીકલ કારણોસર કોઇ ક્ષતિ થયેલ હોવાના કારણસર નામ લીસ્ટમાં આવેલ નથી, તેવું અમારૂ માનવું છે. આ બાબતે ઉચ્ચકક્ષાએથી તપાસ કરાવી સત્વરે બાકી રહેતી કાયદેસરની વિમાની રકમ ચૂકવણી કરવા જરૂરી કાર્યવાહી કરવા રજૂઆત કરેલ છે.

કટલેરી બજારમાં દબાણ

ઉપલેટાના ધમધમતા વિસ્તાર કટલેરી બજારમાં રોજના હજારો માણસો, રાહદારીઓ તેમજ વાહન ચાલકોની મોટાપાયે અવરજવર થતી હોય છે. જૂની તથા નવી કટલેરી બજાર આવેલી છે. ર૦ ફુટના રોડ ઉપર વેપારીઓ દ્વારા પોતાની માલીકીની દુકાન હોવા છતાં આ રોડ ઉપર પોતાની દુકાન પાસે ખાટલાઓ પાથરી પોતાના માલ-સામાન બહાર પ્રદર્શન કરતા હોય છે અને વેચાણ કરતા આ રોડ માંડ માંડ ૧૦ ફુટ જેટલો રહેવા પામ્યો છે ત્યારે આ રોડ ઉપર ટ્રાફીકના કારણે રોમીયાઓ, રોમીયોગીરી કરતા જોવા મળે છે.

આજની પરિસ્થિતિએ કટલેરી બજાર દબાણોથી ભરમાર થવા પામી છે ત્યારે ઉપલેટાના પી.આઇ. તથા નગરપાલિકા દ્વારા સંયુકત કામગીરી હાથ ધરી દબાણો દૂર કરાવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે.

(11:23 am IST)