Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ગોંડલમાં દારૂને દેશવટો આપવા મેઘવાળ સમાજ દ્વારા ઝુંબેશઃ પોલીસ વડા મીટીંગમાં હાજર

ઝુંબેશને પોલીસ વડાએ સરાહનીય ગણાતી, પોતાનો નંબર આપી સંપર્કમાં રહેવા પણ જણાવ્યું

ગોંડલ, તા., ૨૩: શહેરનાં ભગવતપરા ખાતે મેઘવાળ સમાજ દ્વારા દારૂને દેશવટો આપવા ઝુંબેશ ધરી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લા પોલીસ વડા અંતરીપ સુદ સહીતનાં અધિકારીઓ હાજર રહયા હતા અને આ ઝુંબેશની સરાહના કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં ખુલ્લેઆમ વેચાતા દારૂને દેશવટો આપવા શહેરના મેેઘવાળ સમાજ દ્વારા દારૂને દેશવટો અંગે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અંગે ભગવતપરા ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લા પોલીસ વડા અંતરીપ સુદ સહીતનાં અધિકારીઓ હાજર રહયા હતા અને જણાવ્યું હતુ કે આ ઝુંબેશ સરાહનીય છે. પોલીસ તંત્ર મેઘવાળ સમાજની સાથે છે જે વિસ્તારમાંથી દારૂ પકડાશે તે વિસ્તારના જમાદાર સામે કડક પગલા લેવામાં આવશે અને સ્લમ વિસ્તારમાં સેવા સુરક્ષા સેતુ અંતર્ગત કામો હાથ ધરી રોજગારી મળી રહે તેવા કાર્યો હાથ ધરાશે.

આ તકે સુનીલ જાદવે જણાવ્યું હતું કે દલીત સમાજ અસ્પૃશ્યતા ભુલી સામાન્ય પ્રવાહમાં જોડાવું જોઇએ. દારૂથી અનેક પરીવારો બરબાદ થયા છે. પરીવાર અને સમાજ ખાતર દારૂ સહીત અન્ય વ્યસનોનો ત્યાગ કરવા અપીલ કરી હતી. મેઘવાળ સમાજ પ્રમુખ ગીરધરભાઇ સોલંકીએ યુવાનો  દારૂના રવાડે ચડી અકાળે મૃત્યુ પામે છે કુટુંબ બરબાદ થાય છે ત્યારે શહેરમાં ચાલતા દારૂના હાટડા ઉપર દરોડા પાડવા રજુઆત કરી હતી.

એડવોકેટ દિનેશભાઇ પાતરે પ્રબુધ્ધ નાગરીકો દ્વારા પગલા સમીતીની રચના કરવા સુચન કરાયું હતું. ભાવેશભાઇ ભાવા અને અનીલભાઇ માઘડ દ્વારા વકતવ્યો રજુ કરાયા હતા. આ તકે રાજુભાઇ ધાના માજી સદસ્ય પાલીકા, અનીલભાઇ સોલંકી, દિેનેશભાઇ માઘડ તેમજ પ્રેમજીભાઇ જાદવ સહીત બહોળી સંખ્યામાં દલીત સમાજ એકઠો થયો હતો.

(11:21 am IST)